દત્તક લીધેલા પુત્રએ જ માતાને જીવતી બાળી નાખી

February 04, 2023

બેંગ્લુરુ : ક્યારેક ક્યારેક આપણી સામે એવી ઘટનાઓ પણ આવે છે જેના પર વિશ્વાસ જ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ એક ઘટના બેંગ્લુરુમાં બની હતી. જ્યાં એક દંપતીએ એક દીકરાને દત્તક લીધો હતો. હવે આ દીકરાએ જ તેની માતાને જીવતી બાળી નાખી છે. કળીયુગનો આ દીકરો તેના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.

હોલિવૂડની ઓર્ફન ફિલ્મ સાથે મેળ ખાતી આ ઘટના ધ્યાનમાં આવતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને તેની વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી હતી. આરોપી દીકરાની ઓળખ ઉત્તમ કુમાર તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે મંજૂનાથ અને તેમની પત્ની નિઃસંતાન હતા એટલા માટે તેમણે આરોપીને દત્તક લીધો હતો. 

પીડિત પિતા મંજૂનાથે કહ્યું કે અમારી પાસે પ મકાન હતા અને તેમાં ભાડુઆત રહે છે. મારો દીકરો ઈચ્છતો હતો કે આ ભાડાની રકમ અમે તેને આપી દઈએ. જ્યારે અમે ઈનકાર કર્યો તો તેણે આ પગલું ભર્યું અને હવે મને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આરોપી ઉત્તમ કુમારે ભાડુઆતોને પણ ધમકાવ્યા હતા કે તેઓ ભાડુ તેને જ આપે. સદાશિવનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.