હમાસ બાદ હિઝબુલ્લાનો ઈઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

July 06, 2024

મિડલ ઈસ્ટમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા નવ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ છે ત્યારે એક સિનિયર કમાન્ડરની હત્યાના બદલામાં, આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયેલી લશ્કરી મથકો પર 200થી વધુ રોકેટ છોડ્યા છે. ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ દ્વારા ગુરુવારે થયેલો હુમલો લેબનોન-ઈઝરાયેલ સરહદ પરના મહિનાઓના સંઘર્ષમાં સૌથી મોટો હતો. તાજેતરના અઠવાડિયામાં આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો.

ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે લેબનોનમાંથી "રોકેટ" તેના પ્રદેશમાં છોડવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાને અટકાવવામાં આવ્યા હતા. જાનહાનિ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.

ઈઝરાયેલે બુધવારે સ્વીકાર્યું હતું કે તેણે એક દિવસ અગાઉ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના ત્રણ પ્રાદેશિક વિભાગોમાંના એકનું નેતૃત્વ કરનાર મોહમ્મદ નેમેહ નાસરને મારી નાખ્યો હતો. કલાકો પછી, હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયેલ અને કબજા હેઠળના સીરિયન ગોલાન હાઈટ્સ પર ભારે હથિયારો સાથે ડઝનેક કાટ્યુશા અને ફ્લેક રોકેટ ફાયર કર્યા. તેણે ગુરુવારે વધુ રોકેટ છોડ્યા. હિઝબુલ્લાએ કહ્યું કે તેણે ઈઝરાયેલના કેટલાક લક્ષ્યો પર વિસ્ફોટક ડ્રોન પણ મોકલ્યા છે.