અરબ સાગરના કારણે વાયનાડમાં તબાહી સર્જાઈ! ભૂસ્ખલનને લઈને વિજ્ઞાનીઓના ચોંકાવનારા દાવા

July 31, 2024

દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં મૂશળધાર વરસાદ પછી મંગળવારે સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં 143 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમજ સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. મનમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, રાતના અંધકારમાં અચાનક પર્વત કેમ ધરાશાયી થઈ ગયા અને ચારેબાજુ તબાહી મચી ગઈ. નિષ્ણાતોનું માનવું છે કે અરબી સમુદ્રમાં તાપમાન વધવાને કારણે ગાઢ વાદળો બની રહ્યા છે, જેના કારણે કેરળમાં ઓછા સમયમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ જ કારણ છે કે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે. વિજ્ઞાનીઓ અને  નિષ્ણાતોએ લેન્ડસ્લાઈડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ (Landslide Forecasting System) અને જોખમનો સામનો કરી રહેલી વસતી માટે સુરક્ષિત આવાસ એકમોના નિર્માણ પર ભાર મૂક્યો છે. કોચ્ચી ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એડવાન્સ્ડ સેન્ટર ફોર એટમોસ્ફેરિક રડાર રિસર્ચના ડિરેક્ટર એસ. અભિલાષે કહ્યું કે, સક્રિય ચોમાસું ઓફશોર લો પ્રેશર વિસ્તારના કારણે કાસરગોડ, કન્નુર, વાયનાડ, કાલીકટ અને મલપ્પુરમ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે છેલ્લા બે અઠવાડિયાથી સમગ્ર કોંકણ વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે.બે અઠવાડિયાથી વરસાદ બાદ જમીન ક્ષીણ થઈ ગઈ છે. અભિલાષે કહ્યું કે સોમવારે અરબી સમુદ્રના કિનારે ડીપ 'મેસોસ્કેલ' ક્લાઉડ સિસ્ટમનું નિર્માણ થયું હતું અને તેના કારણે વાયનાડ, કાલીકટ, મલપ્પુરમ અને કન્નુરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને તેના પરિણામે ભૂસ્ખલન થયું હતું. અભિલાષે કહ્યું કે 2019માં કેરળમાં આવેલા પૂર દરમિયાન જોવા મળેલા વાદળોની જેમ જ આ સમયે પણ વાદળો ખૂબ જ ગાઢ હતા. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિકોને દક્ષિણ-પૂર્વ અરબ સાગરની ઉપર ખૂબ જ ગાઠ વાદળ બનવાની જાણકારી મળી છે. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક આ સિસ્ટમો જમીનના ક્ષેત્રમાં પ્રવેશ કરી જાય છે, જેમ કે 2019માં થયું હતું. અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં તાપમાન વધી રહ્યું છે, જેના કારણે કેરળ સહિત આ વિસ્તારની ઉપરનું વાતાવરણ થર્મોડાયનેમિકલી અસ્થિર થઈ ગયુ છે.  વિજ્ઞાનીઓએ કહ્યું કે, આ વાતાવરણીય અસ્થિરતા જે ગાઢ વાદળોના નિર્માણમાં મદદ કરે છે તે આબોહવા પરિવર્તન સાથે જોડાયેલી છે. અગાઉ આ પ્રકારનો વરસાદ સામાન્ય રીતે ઉત્તર કોંકણ વિસ્તાર, ઉત્તર મંગલુરુમાં પડતો હતો. વર્ષ 2022માં 'એનપીજે ક્લાઈમેટ એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ' પત્રિકામાં પ્રકાશિત અભિલાષ અને અન્ય  વિજ્ઞાનિકોના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના પશ્ચિમી તટ પર વરસાદ વધુ ટકાઉ બની રહ્યો છે. આવું ત્યારે બને છે જ્યારે ગરમ, ભેજવાળી હવા વાતાવરણમાં ઉપર ઉઠે છે. ઊંચાઈ વધવાના કારણે દબાણ ઘટે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.