ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો યુનિફોર્મ બરાબર ન હતો? ચોમેરથી ટીકા પછી ફેશન ડિઝાઈનરે આપ્યો જવાબ

July 30, 2024

પેરિસ ઓલિમ્પિક બાબતે રોજ નવા નવા વિવાદો ઊભા થઈ રહ્યા છે. તાજો વિવાદ છે ભારતીય ખેલાડીઓના યુનિફોર્મની ડિઝાઇન બાબતે. જાણીતા ડિઝાઇનર તરુણ તાહિલિયાનીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ટુકડી માટે કપડાં ડિઝાઇન કર્યા છે. જેમાં ઉદ્ઘાટન સમારોહમાં ખેલાડીના કપડાં જોઈને સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓનો મારો ચાલ્યો છે. પુરૂષ ખેલાડીઓ માટે કુર્તા-પાયજામા અને જેકેટ ડિઝાઇન કરાયેલા હતા. કુર્તા-પાયજામા સફેદ રંગના હતા અને જેકેટની એક તરફની ધાર પર કેસરી રંગની અને બીજી ધાર પર લીલા રંગની ડિઝાઇન હતી. મહિલા ખેલાડીઓએ સફેદ રંગની સાડી અને કેસરી રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. સાડી પર કેસરી અને લીલા રંગની ડિઝાઇનર બોર્ડર હતી. આમ, યુનિફોર્મમાં ભારતીય ત્રિરંગાના સફેદ, કેસરી અને લીલા રંગનું પ્રાધાન્ય જાળવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે ભારતીય એથ્લેટ્સના પોશાકને નીરસ ગણાવીને એ માટે ડિઝાઈનર તાહિલિયાનીની ટીકા કરી છે. મોટાભાગનાનું કહેવું છે કે, ભારતનો ભવ્ય વારસો, સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રતિબિંબિત થાય એવા હેન્ડલૂમ અને ભરતકામનો વપરાશ કરવાને બદલે ડિઝાઇનરે સાવ સામાન્ય એવી ડિજિટલ પ્રિન્ટ વાપરીને દાટ વાળ્યો છે. લોકોએ તાહિલિયાનીના કામને 'આંખમાં ખટકે એવું' અને 'તદ્દન સામાન્ય' ગણાવ્યું હતું. દેશની ઘણી જાણીતી હસ્તીઓએ પણ તાહિલિયાનીને ફટકાર લગાવી છે. પૂર્વ ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ  X પોસ્ટમાં લખ્યું હતું કે, 'જ્યારે ડિઝાઇનરના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે મને તો ઘણી અપેક્ષાઓ જાગી હતી. બધી મહિલા ખેલાડીઓ સાડી કેવી રીતે પહેરવી એ જાણતી નથી હોતી. એમને રેગ્યુલર સાડીને બદલે પ્રિ-ડ્રેપ્ડ સાડી પહેરાવવાની સામાન્ય બુદ્ધિ કેમ ન સૂઝી? બ્લાઉઝનું ફિટિંગ પણ બરાબર નહોતું જેને લીધે છોકરીઓ અસ્વસ્થ લાગતી હતી.' યુનિફોર્મ પર કરવામાં આવેલી પ્રિન્ટ બાબતે જ્વાલાએ લખ્યું કે, 'પ્રિન્ટ ભારતીય સૌંદર્યની બિલકુલ વિરુદ્ધ હતી. ડિઝાઇનર પાસે એમ્બ્રોઇડરી અથવા હેન્ડ પેઇન્ટ દ્વારા આપણી કળા અને સંસ્કૃતિ પ્રદર્શિત કરવાની તક હતી, જે ચૂકી જવાઈ છે. તેમજ તદ્દન નિરાશાજનક કહેવાય એવો યુનિફોર્મ છે!' 
આટલી બધી ટીકાઓ છતાં ડિઝાઇનર તરુણ તાહલિયાનીએ તંગડી ઊંચી રાખતા કહ્યું હતું કે, 'અમને અમારી ડિઝાઈનથી સંતોષ છે. દેશનું પ્રતિનિધિત્વ દર્શાવવાનો શ્રેષ્ઠ માર્ગ ત્રિરંગો છે. આપણા રાષ્ટ્રધ્વજ અને યુનિફોર્મ વચ્ચે તાલમેલ દેખાય એ મુજબની જ ડિઝાઇન કરાઈ છે. મહિલા ખેલાડીઓને સાડી પહેરાવવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવાયો હતો, અને એ નિર્ણય મારો નહોતો. અમારું ધ્યાન આપણા એથ્લેટ્સ માટે સર્જનાત્મક અને આરામદાયક ગણવેશ બનાવવા પર હતું. ખેલાડીઓ પાસેથી મળેલા હકારાત્મક પ્રતિસાદથી અમને ગર્વ અને સંતોષ છે.' આ સિવાય તેમણે હાસ્યાસ્પદ દાવો કરતાં કહ્યું કે, 'અમારી આ ડિઝાઈન ઘણા લોકોએ વખાણી છે, ઘણી મોટી કંપનીઓએ એમના કર્મચારીઓ માટે આવી ડિઝાઈનના કપડાં ડિઝાઈન કરવા કહ્યું છે.' છેલ્લે સુફિયાણી વાત કરતાં એમણે કહ્યું કે, 'ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં લોકોના મંતવ્ય પણ અલગ-અલગ હોય છે. અમે તમામ દ્રષ્ટિકોણને આવકારીએ છીએ. હવે બિનજરૂરી વિવાદ ઊભો કરવાને બદલે આપણે સૌ મેડલ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ.'