વિદેશ જતાં તમામે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી, સોશિયલ મીડિયામાં નારાજગી પછી સરકારની સ્પષ્ટતા

July 29, 2024

સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ અને હોબાળો થતાં કેન્દ્ર સરકારને બજેટના એક પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. ભારતમાં રહેતા લોકોને વિદેશ યાત્રા પર જતા પહેલા ટેક્સની ચુકવણી કરી ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ ફરજિયાત મેળવવાના ભ્રામક સમાચારો અંગે સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 230 હેઠળ પ્રત્યેક વ્યકિત ટક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત નથી. ઉલ્લેખનીય છે કે 23 જુલાઇએ જ્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યુ હતું ત્યારે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા માટે બ્લેક મની ટેક્સ, 2015નો સંદર્ભ સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ આ અંગે તમામ પ્રકારના રિપોર્ટ સામે આવ્યા હતાં અને લોકોએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે આજે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ અંગે સરકારે આજે જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 230 અનુસાર પ્રત્યેક વ્યકિતને ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની જરૂર નથી. આ ફક્ત એ લોકો માટે છે જે કોઇ ગંભીર નાણાકીય અનિયમિતતામાં સંડોવાયેલા હોય અને ઇન્કમ ટેક્સ એક્ટ તથા વેલ્થ ટેક્સ એક્ટ હેઠળ કેસની તપાસમાં જેમની હાજરી જરૂરી હોય.
અમુક ચોક્કસ માપદંડો અંતર્ગત ટેક્સ ક્લિયરન્સ જરૂરી છે. સીબીડીટીના આદેશ પત્ર નં. 1/2004, તારીખ 5 ફેબ્રુઆરી, 2004 અનુસાર, જે લોકો ગંભીરરૂપે નાણાકીય અનિયમિતતા સાથે સંકળાયેલા હોય તેમજ ડાયરેકટ ટેક્સ બાકી રૂ. 10 લાખથી વધુ હોય, તેમજ આ બાકી પર કોઈપણ ઓથોરિટી દ્વારા સ્ટે આપવામાં આવ્યો ન હોય તેવા લોકો માટે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ જરૂરી છે. વધુમાં ઈનકમ ટેક્સ એક્ટ, વેલ્થ-ટેક્સ એક્ટ હેઠળ તપાસમાં સંડોવાયેલા લોકો માટે પણ આ સર્ટિફિકેટ લેવુ અત્યંત જરૂરી છે. ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ ઈશ્યૂ એક આર્બિટ્રેરી પ્રક્રિયા નથી. જે મેળવવા માટે માન્ય કારણો અને ઈનકમ ટેક્સના ચીફ કમિશનર તથા પ્રિન્સિપલ ચીફ કમિશનર પાસેથી અગાઉથી મંજૂરી મેળવવાની જરૂર પડે છે. આ સર્ટિફિકેટ જે-તે વ્યક્તિને ખાતરી આપે છે કે, વિવિધ ટેક્સ કાયદા હેઠળ આ વ્યક્તિની કોઈ બાકી નથી.