ગાઝાના સેંકડો લોકો માટે કેનેડા પોતાના દરવાજા ખોલશે, કામચલાઉ વિઝા આપશે

December 22, 2023

ઓટાવા- હમાસ સામેના જંગમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટી વિસ્તારને ખંડેર બનાવી દીધો છે. અહીંયા રહેતા 20000 કરતા વધારે લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર બની ગયા છે ત્યારે હવે કેનેડાએ ગાઝાના નાગરિકોને કામચલાઉ વિઝા આપવાની જાહેરાત કરી છે. 
ગાઝામાં રહેતા લાખો લોકો અહીંથી બહાર નીકળવા માંગે છે ત્યારે કેનેડાની સરકારે કહ્યુ છે કે, ગાઝામાં રહેતા જે લોકોના સબંધીઓ કેનેડામાં છે તેવા લોકોને કેનેડા કામચલાઉ ધોરણે કેનેડામાં વસવાટ કરવા માટે વિઝા આપશે. 


કેનેડાના ઈમિગ્રિેશેન મિનિસ્ટર માર્ક મિલરે ગુરુવારે કહ્યુ હતુ કે, વિઝા આપવાનુ કામ નવ જાન્યુઆરીથી શરુ થઈ શકે છે. જોકે તેમણે ગાઝાના યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી આવા લોકોને સુરક્ષિત બહાર કાઢવા બાબતે કોઈ ટિપ્પણી કરી નહોતી. મિલરે કહ્યુ હતુ કે, સરકારનુ ધ્યાન ગાઝામાં ફસાયેલા કેનેડાના 600 નાગરિકોને બહાર લાવવા પર છે. કેનેડાની સરકાર કેનેડા સાથે પારિવારિક સબંધો ધરાવતા લોકોની વિઝા અરજીઓ સ્વીકારવાનુ શરુ કરશે. અમારા ધારાધોરણો પર ખરા ઉતરનારા લોકોને કેનેડાની સરકાર ત્રણ વર્ષ માટે વિઝા આપશે. જોકે તેના કારણે કેટલા લોકો કેનેડા આવી શકશે તે અમે કહી શકીએ તેમ નથી પણ આ સંખ્યા સેંકડોમાં હશે તેવુ અનુમાન છે.