કોરાના ભૂલ્યા ત્યાં તો સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસનો કહેર, 4 બાળકોના મોતથી હડકંપ

July 13, 2024

ચાંદીપુર : હાલમાં ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં એક તરફ કોલેરા અને ઝાડા-ઉલટીના કેસ વધી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ચાંદીપુરમા વાયરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરમ વાયરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. 

કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે એક નવો વાયરસ આતંક મચાવી રહ્યો છે. જોકે આ વખતે સફાળું જાગી ગયું છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે. સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાયરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. 

તાજેતરમાં મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્માના દિગથલી ગામના 5 વર્ષીય બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ લક્ષણો જોવા મળતાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું નિપજ્યું હતું. ચાંદીપુરમ વાયરસના લીધે અત્યાર સુધી 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું આરોગ્ય વિભાગનું અનુમાન છે. અત્યાર સુધી 6 કેસ મળી આવ્યા છે જેમાંથી 4 દર્દીઓના મોત નિપજ્યા છે અને બે દર્દીઓ સારવાર હેઠળ છે.