ચૂંટણી પહેલાં ધામધૂમથી લોકાર્પણ પરંતુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની દરખાસ્ત જ નહીં કરાયાનો ઘટસ્ફોટ

July 13, 2024

સૌરાષ્ટ્રને માત્ર એક જ કમી હતી તે પૂરી થઈ છે તેમ કહીને જૂલાઈ-2023માં રૂ.1405 કરોડના ખર્ચે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ધામધૂમથી લોકસભાની ચૂંટણી પૂર્વે લોકાર્પણ કરી દેવાયું તેને આજે તેને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ રાજકોટ એરપોર્ટ દ્વારા કરાયો છે. જેમાં તેણે જણાવ્યું છે કે રાજકોટના હીરાસરમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે તો હજુ દરખાસ્ત પણ કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રમાંથી દર મહિને અંદાજે  પચાસ હજાર લોકોએ વિદેશ યાત્રા કરવા માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (માત્ર નામનું) હોવા છતાં અમદાવાદ ચાર-પાંચ કલાકના ધક્કા ખાવા પડે છે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ વિવાદી યોજના પી.પી.પી.ધોરણે ચાલી રહ્યું છે જ્યાં ગત મે માસમાં 1,90,040 વિદેશોના યાત્રિકો  નોંધાયા છે. ગત બે માસમાં અમદાવાદ એરપોર્ટ પરથી 3.51 લાખ નાગરિકોએ વિદેશ આવવા જવા હવાઈયાત્રા કરી હતી અને આ સંખ્યામાં ગત વર્ષની સાપેક્ષે ૨૫ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે જે લોકોની વિદેશ પ્રવાસની અનિવાર્ય જરૂરિયાત દર્શાવે છે. 
આ  સ્થિતિ છતાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની હજુ દરખાસ્ત પણ નથી થઈ તે અત્યંત ગંભીર બાબત મનાય છે.  એરપોર્ટ તંત્રએ આજે પણ કોઈ નિવેદન જારી કરીને પરિસ્થિતિ શું છે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ કેમ શરુ નથી થઈ, કેનોપી કેમ ધસી પડયું તે અંગે જાણે વારસાઈ પેઢી ચલાવતા હોય તેમ પ્રજાને માહિતી જારી કરી નથી. રાજકોટ એરપોર્ટના ટ્વીટર એકાઉન્ટ પરથી એક મેસેજમાં એવું  જણાવાયું છે કે નવું ટર્મિનલ બિલ્ડીંગ શરુ થયા બાદ તેમાં પણ ડોમેસ્ટીક ફ્લાઈટ જ ઓપરેટ થશે. એરલાઈન્સ તરફથી દરખાસ્ત મળ્યા બાદ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે કસ્ટમ, ઈમીગ્રેશન વગેરેની કામગીરી અલગ અલગ થશે.