સુરતના મેટ્રો બ્રિજના બે ફાડિયા:મેટ્રો ફેઝ-2ના ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ 'ઝૂલતો બ્રિજ' બન્યો, સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ

July 30, 2024

સુરત :  મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રોની કામગીરી હાલ રાજ્યમાં જોરશોરથી ચાલી રહી છે. તેના ભાગરૂપે સુરત શહેરમાં પણ 2012થી મેટ્રોનું કામ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને 2027 સુધી મેટ્રોનું ઉદઘાટન થવાનું છે. તે પહેલાં સુરત શહેરના સારોલી-કડોદરા માર્ગ પર ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમિયાન ટેક્નિકલ ખામી સામે આવી છે. જેના લીધે સારોલીથી કડોદરા તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં બે-ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. 

સુરત શહેરના સારોલી-કડોદરા માર્ગ મેટ્રોનો સ્પાન એક તરફ નમી ગયો છે, જેના લીધે સ્પાનમાં ગાબડાં સળિયા દેખાવવા લાગ્યા છે. જેથી ના કરે અને નારાયણ કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ એવો ભય પણ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. આપણે ભૂતકાળમાં પણ ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ જોઇ ચૂક્યા છે. લોકો હજુ સુધી મોરબીનો બ્રિજ કાંડ અને રાજકોટ અગ્નિકાંડ ભૂલ્યા નથી. ત્યાં તો વધુ દુર્ઘટના શક્યતા નજરે પડી છે.

જોકે તંત્રએ આ બાબતને ગંભીરતાથી લેતાં આ પૂરતો સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દીધો છે. સ્પાનમાં ગાબડાં દેખાતા જ તંત્રમાં હલચલ મચી ગઇ છે અને દોડતું થઇ ગયું છે. તંત્રના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 

સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઇને ભૂતકાળમાં પણ સવાલો ઉભા થયા છે, ત્યારે આ વખતે મેટ્રોની કામગીરીમાં આ પ્રકારની ટેક્નિકલ મોટી દરકારી સામે આવી છે. મેટ્રોનો સ્પાન એક તરફ નમી જતાં ઘરાશાયી થવાની સંભાવના છે. સ્પાનમાં ગાબડાં પડતાં સળિયા દેખાવવા લાગ્યા છે.

ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી જાણ કરવામાં આવતાં હાલમાં કડોદરા તરફથી રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનો ચાલકોને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. હાલમાં મેટ્રોની ટીમ કામ કરી રહી છે પ્રાથમિક તપાસ બાદ સાચું કારણ જાણી શકાશે. હાલમાં કોઇ ભયજનક બાબત લાગી રહી નથી. 

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે શાસક પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રજાના કરોડોના રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા મેટ્રોના પ્રોજેક્ટમાં મોટી ખામી સામે છે. મેટ્રોનો સ્પાન આખો નમી ગયો છે જે ગમે ત્યારે તૂટી શકે એવું લાગી રહ્યું છે. ભાજપના રાજમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેના લીધે અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.