ઝોમેટો પાસે કર્ણાટકમાં નવ કરોડથી વધુના ટેક્સની માગ

July 01, 2024

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડને કર્ણાટક કોમર્સિયલ ટેક્સ વિભાગના અધિકારીએ આકારણી કરીને રૂપિયા 9.45 કરોડની ડિમાન્ડ નોટિસ પાઠવી છે. ફૂડ કંપનીએ બીએસઇને આ અંગેની જાણકારી આપી છે.

કંપનીએ જાણ કરી છે કે કર્ણાટકના ટેક્સ સત્તાવાળાએ આકારણી કરીને રૂપિયા 5.01 કરોડ જીએસટી, તેના પર રૂપિયા 3.93 કરોડનું વ્યાજ અને રૂપિયા 50.19 લાખનો દંડ એમ કુલ મળીને રૂપિયા 9.45 કરોડ ભરવા માગણા નોટિસ પાઠવી છે. વર્ષ 2019-20 માટે કંપનીએ ભરેલા રિટર્ન અને હિસાબી ચોપડા સાથે તેની ચકાસણી કર્યા બાદ કરવેરા વિભાગે આ માગણા નોટિસ પાઠવી છે.

28 જૂનના રોજ ઝોમેટોના શેર રૂપિયા 200.15ના પાછલા બંધ સ્તરની તુલનામાં 0.10 ટકા વધીને રૂપિયા 200.35 પર બંધ થયો હતો. કંપનીએ ટેક્સ નોટિસના જવાબમાં જણાવ્યું કે,' અમારૂં માનવું છે કે અમારી પાસે યોગ્યતા આધારે એક મજબૂત મુદ્દો છે. યોગ્ય સત્તાવાળા સમક્ષ કંપની આદેશ વિરૂદ્ધ અપીલ દાખલ કરશે.'