જૂનમાં 9.2% સાથે ભારતનો બેરોજગારી દર આઠ મહિનાની ટોચે

July 06, 2024

જૂન 2024માં 9.2% સાથે ભારતનો બેરોજગારી દર આઠ મહિનાની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. ગત મહિને આ દર 7 ટકા હતો. જૂન 2024માં 9.2 ટકાનો આ દર જૂન 2023ના 8.5 ટકાને ઓળંગી ગયો છે.સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ (સીએમઆઈઈ)ના ડેટામાં આ હકીકત સામે આવી હતી.

લેબર પાર્ટિસિપેશન રેટ (એલપીઆર)માં વધારો થયો હોવા છતાં બેરોજગારી દરમાં વધારો થયો છે. એલપીઆર એ એક એવો માપદંડ છે જેના હેઠળ કામ કરતી વયની વસ્તી (15 વર્ષ અને તેથી વધુ)ના પ્રમાણનું માપન કરે છે, જે રોજગારી મેળવે છે અથવા સક્રિય રીતે રોજગાર શોધે છે. એલપીઆરમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. જે જૂન 2024માં વધીને 41.4 ટકા થયો હતો.

આ દર મે મહિનામાં 40.8 ટકા હતો અને જૂન 2023માં 39.9 ટકા હતો. જૂનમાં મહિલા અને પુરૂષ શ્રામ સહભાગિતા દર અનુક્રમે 68.1 ટકા અને 11.3 ટકા હતો. જૂન 2024માં મહિલા બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધીને 18.5 ટકા પર પહોંચી ગયો છે. જે અગાઉના વર્ષના સમાન મહિનામાં 15.1 ટકા હતો.

દરમિયાન પુરૂષ બેરોજગારીનો દર ગય વર્ષના સમાન સમયગાળામાં 7.7 ટકાની સરખામણીએ થોડો ઊંચો 7.8 ટકા હતો. બેરોજગારીનો દર એ એક મેટ્રિક છે, જે લેબર ફોર્સની અંદર સક્રિયપણે રોજગાર શોધતી વ્યક્તિઓના પ્રમાણને પ્રમાણિત કરે છે. સીએમઆઈઈ સમય અંતરે કન્ઝયૂમર પિરામિડ્સ હાઉસહોલ્ડ સર્વે હેઠળ આ અંગેની મોજણી હાથ ધરે છે.