મલાઇકા અરોરાના પિતાએ ધાબેથી પડતું મૂકીને આત્મહત્યા કરી

September 11, 2024

મુંબઈ : અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ મુંબઈમાં પોતાના ઘરના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કારણો હજુ જાણવા મળ્યા નથી. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન ઘટનાસ્થળે પહોંચી ગયો છે. જ્યારે મલાઈકાને તેના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી. માહિતી મળતાં જ તે તરત જ મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારના હતા. તેમનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યો છે. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.

ગયા વર્ષે અનિલ અરોરાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા હોસ્પિટલમાં માતા સાથે જોવા મળી હતી. જો કે તેમની ટ્રીટમેન્ટનું કારણ જાણી શકાયું નથી.

એક્ટ્રેસે અગાઉ શેર કર્યું હતું કે તે માત્ર 11 વર્ષની હતી જ્યારે તેના માતા-પિતા જોયસ પોલીકાર્પ અને અનિલ અરોરાના છૂટાછેડા થયા હતા. ડિવોર્સ પછી, મલાઈકા અને તેની નાની બહેન, અમૃતાને જોયસે એકલે હાથે ઉછેર્યા હતા. ડિવોર્સ બાદ જોયસ પુત્રીઓ સાથે થાણેથી ચેમ્બુર આવી ગઈ હતી.