ફોક્સકોન દ્વારા પરિણીતાઓને નોકરી ન આપવા મામલે NHRCની નોટિસ

July 02, 2024

ભારતમાં એપલનાં આઈફોન પ્લાન્ટ ધરાવતી અને એપલનાં આઈફોન બનાવતી કંપની ફોક્સકોન દ્વારા પરિણીત મહિલાઓને નોકરી નહીં આપવાની અને મહિલાઓ સાથે નોકરી આપવાનાં મામલે ભેદભાવ દાખવવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો પછી નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) દ્વારા તેની સુઓમોટો નોંધ લેવામાં આવી છે અને તામિલનાડુ સરકારને નોટિસ બજાવવામાં આવી છે.

NHRCએ કહ્યું છે કે જો આ વાત સાચી હોય અને મહિલાઓ સાથે નોકરી આપવાનાં મુદ્દે ભેદભાવ દાખવવામાં આવતો હોય તો તે અત્યંત ગંભીર મુદ્દો છે. સમાનતા અને સમાન તકનાં અધિકારનો ભંગ કરે છે. NHRC દ્વારા આ મુદ્દે કેન્દ્રનાં શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સેક્રેટરી તેમજ તામિલનાડુ સરકારનાં ચીફ સેક્રેટરીને નોટિસ બજાવાઈ છે.

અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. ફોક્સકોન ઈન્ડિયા દ્વારા તેનાં એપલ આઈફોન પ્લાન્ટમાં પરિણીતાઓને નોકરી પર રખાતી ન હોવાના મીડિયા રિપોર્ટની કેન્દ્ર દ્વારા પણ નોંધ લેવાઈ હતી અને તામિલનાડુ સરકારનાં લેબર ડિપાર્ટમેન્ટ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો.