કોટકના વિદેશી ફંડથી અમારા પાર્ટનરનું અદાણીના શેરમાં શોર્ટ સેલિંગ : હિંડનબર્ગ

July 03, 2024

હિંડનબર્ગે અદાણી જૂથ પર કરેલા આક્ષેપોના સંદર્ભમાં સેબીએ તેને જે નોટિસ પાઠવી છે તેના પ્રતિભાવમાં વધુ એક ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.આ જૂથની કંપનીના શેરોમાં થયેલા જંગી ઘટાડાનો લાભ લેવા અમારા એક ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરે ભારતના અબજોપતિ બેંકર ઉદય કોટકે સ્થાપેલી એક બેંક અને બ્રોકરેજ ફર્મ તથા તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં એક ઓફશોર ફંડના માધ્યમથી શોર્ટ સેલિંગ કર્યું હતું,આના કારણે અદાણી-હિંડનબર્ગ વિવાદમાં આજે નવો વળાંક આવ્યો હતો.

આ જવાબમાં એવી પણ નોંધ છે કે 25 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો તે પહેલાં કોટક સંચાલિત ફંડ દ્વારા અદાણીના શેરોમાં શોર્ટ પોઝિશન લેવામાં આવી હતી, જેના કારણે આ રૂ. 183 કરોડનો નફો થયો હતો.

સેબીએ પોતાને આપેલી નોટિસમાં ક્યાંક કોટક કે કોટકના બોર્ડ મેમ્બરના નામનો ઉલ્લેખ કર્યો નથી એ બાબત ભારતના વધુ એક પાવરફુલ બિઝનેસમેનને તપાસના દાયરામાંથી બચાવવાના પ્રયત્ન સમાન છે એમ પણ આ યુએસ શોર્ટ સેલરે જણાવ્યું હતું.