જૂનમાં GSTની કુલ વસૂલાત 7.7 ટકા વધીને રૂ. 1.74 લાખ કરોડ

July 02, 2024

જૂન મહિનામાં GSTની કુલ આવક 7.7 ટકા વધીને રૂ. 1.74 લાખ કરોડ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીની કુલ આવક રૂ. 5.57 લાખ કરોડ થવા પામી છે. એપ્રિલ 2023માં જીએસટીની સૌથી વધુમાં વધુ આવક રૂ. 1.87 લાખ કરોડ થઈ હતી. મે મહિનામાં દેશમાં જીએસટીની આવક 10 ટકા વધીને રૂ. 1.73 લાખ કરોડ થઈ હતી.

દેશમાં જીએસટીનો અમલ થયાને 1લી જુલાઈએ 7 વર્ષ પૂરા થયા છે. ભારતનાં કરવેરાનાં ઈતિહાસમાં અને ટેક્સની આવકમાં GST ટર્નિગ પોઈન્ટ પૂરવાર થયો છે. દેશમાં જુદાજુદા ટેક્સને બદલે એક જ સમગ્રતયા ટેક્સ સિસ્ટમ 7 વર્ષ પહેલાં લાગૂ કરવામાં આવી હતી. જેને કારણે મધ્યમ વર્ગનાં લોકોને કેટલીક રાહત પણ મળી હતી. ઘરવપરાશની ચીજવસ્તુઓ તેમજ મોબાઈલ ફોન સસ્તા થયા હતા.

આ વખતે 7મા જીએસટી દિવસની થીમ સશક્ત વેપાર સમગ્ર વિકાસની હતી. 7 વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. એપ્રિલ 2018માં કરદાતાઓની સંખ્યા 1.05 કરોડ હતી જે એપ્રિલ 2024માં વધીને 1.46 કરોડ થઈ હતી. નાના કરદાતાઓ પરનું ટેક્સનું ભારણ ઘટયું હતું. વર્ષ 2023-24માં જેમનું કુલ વાર્ષિક ટર્નઓવર રૂ. 2 કરોડ સુધીનું હોય તેમને વાર્ષિક રિટર્ન ભરવામાં મુક્તિ અપાઈ હતી.