મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રિ

March 19, 2023

મા જગદંબાની ઉપાસના-આરાધના સમસ્ત ભારતમાં વ્યાપક છે. ભિન્ન-ભિન્ન સ્થાનોમાં પોતપોતાની રુચિ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે એનાં સ્વરૂપોની આરાધના થાય છે. મહાશક્તિ, મહામાયા, આદ્યશક્તિનાં સ્વરૂપો અગણિત છે. હિન્દુ શાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. શક્તિ ઉપાસના માટે ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે. જેમાં નવ દિવસ સુધી મા જગદંબાની કુળના રિવાજ અનુસાર જુદી જુદી રીતે ઉપાસના અને આરાધના થાય છે

ચૈત્રી નવરાત્રિને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં પૃથ્વી ઉપરની કુદરતી પ્રકૃતિ જાતજાતનો શણગાર સજે છે. વૃક્ષો જૂનાં પાંદડાં કાઢી નવાં પાંદડાં આપવાનું શરૂ કરે છે. કેસૂડાનાં વૃક્ષો વિશેષ સુંદર દેખાય છે. આમ, કુદરતી પ્રકૃતિનો ભવ્ય શણગાર જોવા મળે છે. જ્યારે મનુષ્યના જીવનની પ્રકૃતિ માટે પણ ચૈત્રી નવરાત્રિનો મહિમા વિશેષ છે. ચૈત્રી નોરતાંની મા જગદંબા જેણે અંતરિક્ષમાં રહી બ્રહ્માંડની રચના કરી અને તેમનું પાલનપોષણ કર્યું તેની પૂજા થાય છે. અશ્વિન (આસો) મહિનાનાં નોરતાંએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય અને ચૈત્રી નોરતાંએ તેમને છ મહિને દિવસ પૂરો થતાં રાત્રિ શરૂ થાય છે તેથી બ્રહ્માની રાત્રિ શરૂ થઇ ગણાય. ભારતીય સમાજમાં ચૈત્રી નોરતાં એ મા શક્તિ સ્વરૂપે નોરતાં કરીએ છીએ, કારણ કે મનુષ્ય આસો મહિનાનાં નોરતાં બાદ સામાજિક રીત-રિવાજમાં ખૂંપી જાય છે અને સમાજની અટપટી ચાલથી હેરાન થઇ અને સમગ્ર સમાજ આ જાતની પ્રકૃતિમાં ઓતપ્રોત થઇને પોતાની શક્તિ સામાજિક ચાલની અંદર ખર્ચીને મનમાં અસંખ્ય વિકારો ઉત્પન્ન થાય છે, કારણ કે શરી2ની બુદ્ધિ અસંખ્ય વિચાર આપી અને માયા થકી કર્મ કરે છે ત્યારે આ કર્મથી દૂર કરવા, શક્તિ મેળવવા ચૈત્રી નોરતાંથી મનમાં શુદ્ધ વિચાર ઉત્પન્ન કરવા માની પૂજા કરીએ છીએ. ભગવાન શ્રીરામે તથા શ્રીકૃષ્ણએ નવરાત્રિના મંગલ પર્વએ મા જગદંબાની આરાધના કરીને આસુરી શક્તિઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ, શક્તિ જાગરણનું પર્વ છે નવરાત્રિ.

નવદુર્ગાનાં નવ સ્વરૂપનું પૂજન અને ફળ
ચૈત્રી નવરાત્રિના દિવસ સુધી આદ્યશક્તિનાં વિવિધ નવ સ્વરૂપોનું પૂજન-આરાધન કરવામાં આવે છે. દેવીના પૂજનથી ખૂબ જ શુભ ફળ મળે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારના ફળની ઇચ્છા વગર જ દેવીની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્ત હંમેશાં ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે. બીજા દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી સાધકને અનંતકોટિ ફળ મળે છે. ત્રીજા દિવસે ચંદ્રઘંટાની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના રોગ-શોક દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પાંચમા દિવસે સ્કંદમાતાનું પૂજન કરવાથી ભક્તની ઇચ્છાપૂર્તિ તથા શત્રુઓનું શમન થાય છે. છઠ્ઠા દિવસે કાત્યાયિની દેવીની પૂજા કરવાથી ભક્તમાં શક્તિનો સંચાર થાય છે, સાતમા દિવસે કાલરાત્રિનું પૂજન કરવાથી ભક્તના દુશ્મનોનો નાશ તથા તેજમાં વૃદ્ધિ થાય છે. આઠમા દિવસે મહાગૌરીનું પૂજન કરવાથી પાપોનો નાશ અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી માની અસીમ કૃપા ભક્ત પર વરસે છે.

નવરાત્રિ પૂજન-આરાધના

  • નવરાત્રિનું પૂજન કરતાં પહેલાં સાધકે ગણપતિજીનું સ્મરણ કરીને પૂજાનો આરંભ કરવો.
  • જવારા, કુંભ સહિત માતાજીની મૂર્તિ કે યંત્રની દરરોજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્વયં અથવા અધિકારી આચાર્ય પાસે યથાશક્તિ પૂજા કરવી-કરાવવી
  • પ્રતિદિન ચંડીપાઠ કરવો-કરાવવો. નવ દિવસ સુધી શક્ય હોય તો રોજ એક કુમારિકાનું પૂજન કરી, દરરોજ એક કુમારિકા વધારતા જઇ નવદુર્ગાના પ્રતીકસમાન નવ કુમારિકાઓને પૂજી દરેકને વસ્ત્ર, અલંકાર, દક્ષિણા અર્પણ કરી ભોજનથી તૃપ્ત પ્રસન્ન કરવી અને શ્રેય માટે પ્રાર્થના કરવી.
  • અંતિમ દિવસે જપાત્મક, હોમાત્મક, `નવચંડી યજ્ઞ' કે સંક્ષિપ્તમાં દુર્ગાહવન જો શક્ય હોય તો કરવા.
  • અંતિમ ચરણમાં માતાજીનું વિધિવત્ પૂજન-અર્ચન કરી થાળ, આરતી સહિત મંત્ર પુષ્પાંજલિ, ક્ષમાપના અને પ્રદક્ષિણા કરી શુભ મુહૂર્તમાં સકલ મંગલકાર્યનું સમાપન કરવું.