તામિલનાડુમાં AIADMK-ભાજપ સાથે મળી ચૂંટણી લડશે

November 22, 2020

ચેન્નઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તામિલનાડુના પ્રવાસ દરમિયાન AIADMK અને ભાજપ સાથે મળીને તામિલનાડુમાં ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ઈ.કે. પલાનીસ્વામી અને નાયબ મુખ્યમંત્રીએ અમિતશાહ સાથે બેઠક યોજી હતી. પલાનીસ્વામીએ જાહેરાત કરી હતી કે ભાજપને AIADMKનું સમર્થન ચાલુ રહેશે.  ભાજપ સાથે મળીને ૨૦૨૧ની ચૂંટણીમાં વિજય મેળવવામાં આવશે અને તામિલનાડુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હંમેશા સમર્થન કરશે. પોતાના વક્તવ્યમાં અમિત શાહે ડીએમકે અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તમે લોકોએ પોતાના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યને શું આપ્યું. હું નમ્રતા સાથે કહી શકું છું કે અમે રાજ્યને જે પણ આપી રહ્યા છીએ તે રાજ્યનો અધિકાર હતો જેનાથી રાજ્યના લોકો લાંબા સમયથી વંચિત હતાં. અમિત શાહે જણાવ્યું હતું કે મહાન એમજીઆર અને લોક અભિનેત્રી જયલલિતાના નેતૃત્વમાં જે રીતે તામિલનાડુએ વિકાસ કર્યો હતો તે રીતે પલાનીસ્વામીના નેતૃત્વમાં પણ તામિલનાડુ વિકાસના માર્ગ પર આગળ વધીને દેશનું સૌથી સારું રાજ્ય બની શકે તેવો મને વિશ્વાસ છે. ભારતના ઈતિહાસમાં તમિલ સંસ્કૃતિ સૌથી પ્રાચિન સંસ્કૃતિઓમાની એક છે.