આર્યનને રાહત પણ વાનખેડે સામે મલિકનો મોરચો યથાવત્

October 30, 2021

નમસ્કાર, સુજ્ઞ વાચકો તથા વિજ્ઞાપન દાતાઓ 
સોમવારથી હિંદુ સમાજના બંધુઓનું શરૃ થતુ દિપાવલીનું પર્વ આમ તો પ્રકાશનુ 
પર્વ પણ છે. આ પર્વ સૌના જીવનમાં જ્ઞાન અને સુખરુપી પ્રકાશને વધુ ઝળઝળતો કરે 
અને દિવાળીમાં પ્રગટાવાયેલા દીપ માત્ર ભૌતિક અંધકારને જ નહીં, પરંતુ તમારા 
જીવનમાં રહેલા પડકારોને અને દુખોને દૂર કરીને તમને સફળતાના સોપાનો સર કરાવે, 
નવી સિદ્ધિઓ અપાવે તેવી અભ્યર્થના સાથે આપ સૌને દિપાવલીના પર્વની હાર્દિક શૂભેચ્છા.


ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને આખરે ગુરુવારે જામીન મળી ગયા. શાહરૂખે પોતાના દીકરાની વકીલાત કરવા માટે મુકુલ રોહતગી જેવા ધુરંધર વકીલને રોક્યા હતા. રોહતગી ભાજપ સાથે નિકટતા ધરાવે છે અને કોર્ટમાં લડતા વકીલોમાં નામના ધરાવે છે. જો કે, આમ છતાં એનસીબની કાર્યવાહીમાં આર્યનને 25 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યુ તે પણ હકીકત છે. 
ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે આર્યન સહિત મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. એનસીબીએ આર્યન સામે જે આરોપો મુક્યા છે તે હત્યાથી પણ વધુ ગંભીર છે. તપાસ સંસ્થાએ એવો દાવો કર્યો હતો કે, આર્યન ખાનને જામીન પર છોડાયો તો કેસ પર તેની અસર પડી શકે છે. આર્યન ખાને હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીનો ગુરુવારે ત્રીજો દિવસ હતો. આ સમયે એનસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે, આર્યનખાને પહેલીવાર ડ્રગ્સ નથી લીધું. તે છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની નિયમિત ખરીદી કરે છે. એટલું જ નહીં, તેણે મોટી માત્રામાં ડ્રગ્સ ખરીદ્યું હોવાનો પણ આધાર મળ્યો છે. તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ હતો. આર્યન ખાનના ફોનમાંથી મળેલી વોટ્સએપ ચેટ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે, એનસીબી પાસે એવિડેન્સ એક્ટ ૬૫-બી હેઠળ સર્ટિ. પણ છે. જોકે, આર્યનના વકીલોએ દાવો કર્યો હતો કે, ના તો તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું છે કે ના તો તેણે ડ્રગ્સ લીધા હોવાની કોઈ સાબિતી મળી છે. તેવામાં આર્યનની ખોટી રીતે ધરપકડ કરીને તેને જેલમાં રાખવામાં આવ્યો છે. 
આમ તો આ કેસ પહેલાથી જ ચર્ચાને ચકડોળે છે. બે દિવસ પહેલાં જ આર્યન કેસમાં એનસીબીના સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સૈલ, વકીલો સુધા દ્વિવેદી, કનિષ્કા જૈન તથા નીતિન દેશમુખે એનસીબી સામે જ ખંડણીના આરોપો મુક્યા હતા. તેને પગલે ગુરવારથી ખંડણીની ફરિયાદને આધારે મુંબઈ પોલીસે સમીન વાનખેડે સહિતના અધિકારીઓ સામે તપાસ શરુ કરી હતી. 
દેશમાં એક તરફ આર્યનના કેસની ચર્ચા છે. ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને એનસીબીના સમીર વાનખેડે વચ્ચે કોર્ટ બહાર જંગ શરૂ થયો છે. આર્યન ખાન જેલભેગો થયો ત્યારથી મલિક વાનખેડેની પાછળ પડ્યા હતા. એનસીબીની ટીમ ૨ ઓક્ટોબરને ગાંધી જ્યંતીની રાત્રે મુંબઈથી ગોવા જતી લક્ઝૂરિયસ ક્રૂઝ પર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર ત્રાટકી હતી. આ સમયે દરોડામાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ઝડપાયો હતો. બસ આ ઘટના બાદ બીજા દિવસથી મલિક મેદાનમાં આવી ગયા હતા. ભાજપના કાર્યકર મનિષ ભાનુશાળી અને પ્રાઈવેટ ડીટેક્ટિવ કિરણ પી. ગોસાવીએ આર્યનને ફસાવ્યો હોવાના આક્ષેપ પણ તેમણે કર્યો હતો. એનસીબીની ટીમે આર્યનને જેલમાં ધકેલ્યો જ્યારે ભાજપના નેતાના સાળાને જવા દીધો એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. મલિકે એ પછી એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને નિશાન બનાવવાનું શરૃ કરી દીધુ હતુ. વાનખેડેએ પોતાના ફેમિલિ ફ્રેન્ડ ફ્લેચર પટેલને ડ્રગ્સના ત્રણ કેસમાં સાક્ષી બનાવ્યા હોવાનો દાવો કરીને મલિકે બંને વચ્ચેના સંબંધોની તપાસની માગણી કરી હતી. તે પછી મલિક એવું લઈ આવ્યા કે, સમીર વાનખેડે તો મુસ્લિમ છે અને બોગસ દસ્તાવેજોના જોરે નોકરી લીધી છે. સવાનખેડેના પરિવાર વિશે પણ મલિકે ઘણી વાતો કરી હતી.  સામેપક્ષે વાનખેડેએ મહારાષ્ટ્રના મંત્રી મલિકના આક્ષેપો બાદ બચાવ કરતા કહ્યુ હતુ કે, મલિકના જમાઈ સામે આ કેસમાં કાર્યવાહી થઈ છે એટલે મલેક તેમની પાછળ પડ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના દુસવામાં જન્મેલા મલિક ૧૯૭૦ના દાયકામાં નાની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. મલિકને ફરાઝ અને આમીર નામે બે દીકરા છે અને નિલોફર તથા સાના મલિક શેખ એમ બે દીકરી છે. સમીર ખાન નિલોફરનો પતિ છે. સમીર સામે આકરી કલમો લગાડાતા તેને વીસ વરસની સજા થાય એવું છે. 
બીજી તરફ મલિકનું કહેવું છે કે, તેમના જમાઈને રાજકીય આકાઓના ઈશારે તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફિટ કરી દીધો છે. મલિકના વાનખેડેના પિતા મુસ્લિમ હતા અને તેમનું નામ જ્ઞાનદેવ નહીં પણ દાઉદ છે એવા આક્ષેપો મુદ્દે પણ વાનખેડેના પિતાએ ચોખવટ કરી છે કે, મારું નામ જ્ઞાનદેવ નહીં પણ દાઉદ છે એવી વાત પાયા વિનાની છે. સમીરની માતા ઝાહિદા મુસ્લિમ હતી, પણ હું હિંદુ છું અને મારો પરિવાર પણ હિંદુ છે. 
સમીરે સત્તાવાર નિવેદન આપીને આ વાત કરી છે અને કહ્યું છે કે, તેના પિતા જ્ઞાનદેવ કચરૂજી વાનખેડે રાજ્યના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં પુણેમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર હતા અને ૨૦૦૭ના જૂન મહિનામાં રિટાયર્ડ થયા હતા.
સમીરે એવો ઉલ્લેખ પણ કર્યો છે કે, પોતે ૨૦૦૬માં ડૉ. શબાના કુરેશી સાથે લગ્ન કરેલાં અને દસ વર્ષ પછી ૨૦૧૬મા પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. એ પહેલાં તેમને દીકરો થયો તેના બર્થ સર્ટિફિકેટમાં પણ પિતાનો ઉલ્લેખ જ્ઞાનદેવ તરીકે જ હતો. સમીરે ૨૦૧૭માં એક્ટ્રેસ ક્રાન્તિ રેડકર સાથે લગ્ન કરેલાં અને રેડકરે પણ પોતાનો આખો પરિવાર હિંદુ હોવાનું કહ્યું છે. મલિક અને વાનખેડેના દાવા-પ્રતિદાવામાં કોણ સાચું બોલે છે અને કોણ ખોટું બોલે છે એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ આ બધી વાતોના કારણે આર્યનના કેસ કરતાં વધારે ગરમી સમીર વાનખેડે વર્સીસ નવાબ મલિકના જંગમાં આવી ગઈ છે.