બિનજરૂરી પ્રવાસ બાદ પણ કવોરનટાઈનના ખર્ચ પેટે ફેડરલ સિકનેસ બેનિફીટના ૧૦૦૦ ડોલર મેળવી શકાશે

January 12, 2021

  • લાભ મેળવવા ઈચ્છતા નાગરિકે પોતે પગારી રજા મેળવી ન હોવાનું પુરવાર કરવું પડશે

ટોરોન્ટો : જે કેનેડિયનને વિદેશ પ્રવાસ બાદ ફરજિયાત કવોરન્ટાઈન પાળવું પડયું હોય એ હવે ફેડરલ સરકારના કેનેડા રિકવરી સિકનેસ બેનિફીટ (સીઆરએસબી) માટે અરજી કરી શકશે. ભલે પછી એમનો પ્રવાસ બિનજરૂરી કેટેગરીનો કેમ ન હોય. આ જાહેરાત કેનેડાના પબ્લિક 
સર્વિસ મિનીસ્ટર કાર્લા કવાલટ્રોના પ્રેસ સેક્રેટરી મેરેલી હોસાકે શનિવારે પ્રગટ થયેલા ઈન્ટરવ્યુમાં કરી હતી. સીઆરએસબી નોકરી કરનારાઓની આવકમાં કવોરન્ટાઈનને કારણે ગયેલી ખોટને સરભર કરવા પ૦૦ ડોલર પ્રતિ સપ્તાહના હિસાબે બે સપ્તાહનું વળતર આપે છે. આ લાભ મેળવવા અરજદારે પોતે નિર્ધારીત કરેલા સાપ્તાહિક કામના પચાસ ટકા સમય સુધી કામ કોવિડ-૧૯ના કવોરન્ટાઈનને કારણે ન કર્યુ હોવાનું અને એ દરમિયાન પગારી રજા ન મળી હોવાનું પુરવાર કરવું પડશે. જો કે, જે લોકોએ બિનજરૂરી પ્રવાસ બાદ કવોરન્ટાઈન પાળ્યો હોય તેમને પણ જરૂરિયાતો પૂર્ણ કરે તો આ લાભ મળી શકશે એમ હોસાકે જણાવ્યું હતું. તેમણે કહ્યુંં હતું કે, આ લાભ એવા કામદારો માટે છે જે પોતાના ઘરે રહેવા માંગતા હોય. જો કે, અમે તેમને બિનજરૂરી પ્રવાસ ટાળવા અવારનવાર ચેતવતા હોઈએ છીએ. કેનેડામાં પ્રવેશનારા દરેકે ફરજિયાત બે સપ્તાહનો કવોરન્ટાઈન પાળવો જરૂરી બન્યો છે. જેનો અમલ સાતમી જાન્યુઆરીથી થઈ ગયો છે. તેમણે એક અરજી કરવી પડશે અને વિમાનમાં બેસતા પહેલા કોવિડ -૧૯નો ટેસ્ટ કરાવવો પડશે. બ્લોક કયૂબેકોઈસના નેતા એ બિનજરૂરી પ્રવાસ કરનારાઓને આર્થિક લાભ આપવાની વાતને અસંગત ગણાવી હતી.