3 કૃષિ કાયદાને રદ્દ કરવાને લઈને મોટા સમાચાર, કેબિનેટ બેઠકમાં મળી મંજૂરી

November 24, 2021

કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં 3 કૃષિ કાયદાને રદ્દ કરવાને માટે બિલને મંજૂરી મળી છે. આ બેઠક બાદ 29 નવેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્રમાં પણ તેને રજૂ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રાલયે પીએમઓના કહેવા પર કાયદાને રદ્દ કરવા માટે બિલ તૈયાર કર્યું છે. જે રીતે કાયદો બનાવવા માટે સંસદની મંજૂરી જરૂરી હોય છે તે રીતે તેને રદ્દ કરવા માટે સંસદની મંજૂરી પણ જરૂરી છે. કેબિનેટથી મંજૂરી મળ્યા બાદ આ બિલને સંસદમાં રજૂ કરાશે, આ બિલ પર ચર્ચા થશે અને વોટિંગ થશે. આ પછી બિલ પસાર થશે અને 3 કૃષિ કાયદા રદ્દ થશે.
જૂન 2020માં મોદી સરકારે 3 કૃષિ કાયદાનો અધ્યાદેશ લાવ્યો હતો. આ સમયે તેનો વિરોધ થયો. આ પછી સપ્ટેમ્બરમા 3 કાયદા હંગામા વચ્ચે પસાર થયા. આ પછી 27 સપ્ટેમ્બર 2020એ રાષ્ટ્રપતિએ પણ તેને મંજૂરી આપી. કાયદો બન્યા બાદ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ પછી 26 નવેમ્બરે પંજાબ, યૂપી, હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી બોર્ડર પર ધરણા કરીને આંદોલન શરૂ કરી ચૂક્યા. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેકવાર વાત થઈ પણ કોઈ પરિણામ આવ્યું નહીં. સરકાર ખેડૂતોના આધારે સંશોધનને તૈયાર કરી રહી હતી પણ ખેડૂતો કાયદો પરત લેવાને લઈને અડગ રહ્યા હતા. એક વર્ષથી ચાલી રહેલા આંદોલન સામે સરકારને ઝૂકવું પડ્યું અને 19 નવેમ્બર 2021ના રોજ પીએમ મોદીએ 3 કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી દીધી. કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને મળેલી મંજૂરીને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. બપોરે 3 વાગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર કેબિનેટ બ્રીફિંગ કરશે અને તેમાં કાયદો પરત લેવાના પ્રસ્તાવને લઈને નિર્ણયને વિશે જણાવશે. આ સાથે જ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે જ્યાં સુધી સંસદમાં બિલ પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન પણ પૂરું કરાશે નહીં. આ સિવાય પણ તેઓએ ખેડૂતોના મોતને લઈને પણ સરકાર પર પ્રશ્નો કર્યા છે.