બ્રિટીશ કોલંબિયાના કેલોવાનામાં ક્રેઈન દુર્ઘટનામાં ૪ કામદારના મોત

July 17, 2021

  • મકાનના બાંધકામ સમયે ક્રેનનો એક હિસ્સા બાજુની બિલ્ડીંગ પર તૂટી પડ્યો
બ્રિટીશ કોલંબિયાઃ આરસીએમપીના જણાવ્યા મુજબ સોમવારે બ્રિટીશ કોલંબિયાના કેલોવાનામાં બનેલી ક્રેઈન દુર્ઘટનામાં ચાર જણાનાં મોત ઘટના સ્થળે જ થયા હતા.
આ ઉપરાંત એકનું અન્ય કાટમાળ નીચે દટાઈને મૃત્યુ થયું હોવાની આશંકા છે. જો કે, પોલીસે આ વાતની જાણકારી મંગળવારે પત્રકાર પરિષદમાં આપી હતી. આરસીએમપીના ઈન્સપેકટર આદમ મેકેન્ટોશે કહ્યું હતું કે, સોમવારની કરૂણ ઘટનામાં ભોગ બનેલા કામદારોને સાથી કામદારોએ જે રીતે વિદાય આપી હતી એ ખરેખર એક પરિવારમાં બનેલી ઘટના જેવી હતી. મને પણ એ બધાની સાથે દુ:ખની લાગણી થઈ હતી. આ ઘટના સોમવારે સવારે ૧૦.૪પ કલાકે બની હતી. જયારે એક નવા મકાનનું કામ ચાલતું હતું. ત્યારે ત્યાંની ક્રેઈન જ તૂટી પડી હતી.  જેનો એક હિસ્સો બાજુની બિલ્ડીંગમાં આવેલી એક ઓફિસ અને વૃધ્ધોનાનિવાસ પર પડયો હતો. ક્રેઈનનો ચાલક પણ માર્યા ગયેલા કામદારોમાં હોવાનું પોલીસ માની રહી છે. જયારે મરણ પામનારની સંખ્યા પાંચ હોવાની આશંકા છે. જેમાં પાંચમો વ્યકિત બાજુની ઓફિસમાં કામ કરનારો હતો અને એને આ મકાનના કામ સાથે કોઈ લેવા દેવા નહોતી.
ઘટનાની જાણ થતાં જ મંગળવારે સૌથી પહેલા ત્યાં પહોંચનારી પહેલી નિષ્ણાંતોની ટીમ વાન્કુંવરથી આવી હતી. દટાયેલા ગુમ વ્યકિતના શરીરને બહાર કાઢવાનો પ્રયાસ આ ટીમે કર્યો હતો. આ ટીમમાં ફાયર ફાઈટર્સ, તબીબી, પોલીસ અને એન્જીનીયર્સનો સમાવેશ થતો હતો. મેકેન્ટોશે કહ્યું હતું કે, ક્રેઈન તૂટી પડયા બાદ ઈજા પામેલા અન્ય બે જણાંને હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાઈ હતી. જયારે માર્યા ગયેલાઓમાં બે ભાઈઓનો સમાવેશ થાય છે. મીડિયાના અહેવાલો મુજબ એરિક અને પેટ્રીક સ્ટેમર માર્યા ગયેલા બે ભાઈઓના નામ હતા. આ પરિવાર સ્ટેમર કન્સ્ટ્રકશન કંપનીના માલિક હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને ભાઈઓ એ કંપનીના કર્મચારી હતા. કંપનીની વેબસાઈટ પર પણ તેમના કેલોવના ડાઉનટાઉનના ચાલુ પ્રોજેકટસમાં બ્રુકલિન ટાવરનો ઉલ્લેખ છે. માર્યો ગયેલો ત્રીજો માણસ ૩ર વર્ષીય જેરેડ ઝુક હતો, જેની ઓળખ એના પરિવારે કરી હતી. એના મિત્ર ડેન જોનસ્ટોને એને ખૂબ સારો વ્યકિત ગણાવ્યો હતો.