ભાઇને બચાવવા 46 કરોડ એકઠા કરનારી બહેનની ચિર વિદાય, ક્રાઉડ ફંડિગ માટે કરી હતી ભાવૂક અપીલ

August 02, 2022

ભાઇને જે બીમારીથી બચાવવા માંગતી હતી એ બહેનને ભરખી ગઇ
18 કરોડની જરુર હતી તેની સામે 46 કરોડ એકઠા થયા હતા

કન્નુર- કેરલના કન્નુર જિલ્લાની પીડિત 16 વર્ષની અફરા માટે લોકો અફસોસ કરી રહયા છે. મટ્ટુવ ગામની આ યુવતીએ કોઝીકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી નામની બીમારીથી પીડાતી હતી.  આ એ જ બહેન હતી જેને પોતાના ભાઇને બીમારીથી બચાવવા માટે 46 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા. અફરાએ લોકોને અપીલ કરીને ફાળા માટે દિવસ રાત એક કર્યા હતા.

જો કે અફસોસની વાત એ છે કે જે બીમારીથી પોતાના ભાઇને બચાવ્યો એ જ એને લાગુ પડી અને બચી શકી નહી. સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી આ એક એવી આનુવાંશિક બીમારી હતી જેનો બંને ભાઇ બહેન ભોગ બન્યા હતા. પોતાના ભાઇ માટે આટલી નિસ્બત દાખવતી અફરાની લાખો લોકોએ પ્રશંસા કરી હતી. ક્રાઉડ ફંડિગ ઉઘરાવવું એ નાના છોકરાના ખેલ નથી તેમ છતાં આટલી નાની ઉંમરે તેની ભાવનાત્મક અપીલ જ કામ કરી ગઇ હતી.
પોતાના ભાઇ માટે વીડિયોમાં જણાવેલું કે બીમારીના કારણે મારા પગની ઘુંટીઓ વળી ગઇ છે. મને સુવામાં અને બેસવામાં તકલીફ પડે છે પરંતુ મારા ભાઇની સ્થિતિ તો આનાથી પણ નાજૂક છે જે ફર્શ પર રગદોડાઇ રહયો છે. આની દવાઓ અને સારવાર ખૂબજ મોંઘી છે માટે આર્થિક સહયોગ આપવા વિનંતી છે.  ક્રાઉડ ફંડિંગમાં જરુર હતી 18 કરોડની પરંતુ 46 કરોડ એકત્ર થયા હતા. કુલ 7.7 લાખ લોકોએ તેને આર્થિક મદદ કરી હતી.

ક્રાઉડ ફંડિગ દરમિયાન વધારે મળેલી રકમ આ પ્રકારની અસાદ્ય બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે સરકારને આપી દીધા છે. અફરા ખૂબજ મહત્વકાંક્ષી હતી. તેને અસાધ્ય બીમારી છતાં કયારેય હિંમત હારી ન હતી. સિંગિગમાં તેને ખૂબ રસ હતો. ઇગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી આ છાત્રાનો મટ્ટલ ગામના કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે અનેક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. તેના ભાઇનો ઇલાજ હજુ પણ ચાલું છે પરંતુ ભાઇ માટે લોકોને અપીલ કરનારી બહેને ચિરવિદાય લઇ લીધી.