દિલ્હીમાં ટ્રેક્ટર સળગાવનાર 5 લોકોની ધરપકડ

September 28, 2020

મુંબઈ : દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત દેશના ઘણા વિસ્તારોમાં ખેતી સાથે જોડાયેલાં બિલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારોએ આજે દિલ્હીમાં ઈન્ડિયા ગેટની પાસે એક ટ્રેક્ટર સળગાવ્યું છે. પંજાબ યૂથ કોંગ્રેસના કાર્યકર્તા એક ટ્રકમાં ટ્રેક્ટરને લાવ્યા અને પછી એને નીચે ઉતારીને સળગાવી દેવામાં આવ્યું. આ મામલામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે.

બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે શહીદ ભગત સિંહ નગરમાં ધરણાં પર બેસશે. તેમનું કહેવું છે કે ખેડૂતોનાં હિતોને ધ્યાનમાં રાખીને આપણા રાજ્યના કાયદામાં સંશોધન સહિત તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં પણ આજે ખેડૂતોએ બંધનું એલાન આપ્યું છે. એને જોતાં કલબુર્ગીમાં પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે.

સંસદમાં ગત સપ્તાહે ખેડૂતો સાથે સંકળાયેલાં 3 બિલો પાસ થયાં હતાં. એના વિરોધમાં રાજ્યસભામાં હોબાળો કરનારા 8 વિપક્ષી સાંસદને સભાપતિ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ પણ કર્યા હતા. એ પછી વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને બિલોને પરત મોકલવાની માગ કરી હતી. જોકે રાષ્ટ્રપતિએ રવિવારે બિલોને મંજૂરી આપી છે.

વિપક્ષને નવા બિલોથી ખેડૂતોને નુકસાન થશે તેમ લાગી રહ્યું છે અને સરકાર આવનારા સમયમાં સમર્થન મૂલ્યની વ્યવસ્થાને ખત્મ કરી શકે છે. જોકે સરકાર તે કહી ચૂકી છે કે સમર્થન મૂલ્ય ચાલુ રહેશે અને નવા બિલો ખેડૂતોના ફાયદા માટે લાવવામાં આવ્યા છે.