'80 વિ. 20'વાળાં વિધાનો પર પ્રિયંકા ભડકી, કહ્યું ''યોગી યુવાનોનું ધ્યાન બીજે દોરવા માગે છે''

January 12, 2022

નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું હતું કે, ''ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે ૮૦ વિરુધ્ધ ૨૦ની વાત કરી, યુવાનોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓ ઉપરથી બીજે દોરવાનો જ પ્રયત્ન કર્યો છે.''
પ્રિયંકા ગાંધીએ મંગળવારે કરેલા એક ટ્વિટ ઉપર એક સમાચારનો હવાલો આપતા જણાવ્યું હતું કે 'ઉત્તર પ્રદેશની ચૂંટણીના સંદર્ભમાં આવી વાતો કરવી તે 'ચારસોવીશી' જ છે. તે દ્વારા યુવાનોનું ધ્યાન બીજે દોરવાનો એક મિથ્યાપ્રયાસ માત્ર છે. ખરી વાત તો તે છે કે ભાજપ સરકારના કાર્યકાળમાં ૧૦૦માંથી ૬૮ યુવાનો પાસે તો કોઈ કામ જ નથી એટલે કે ૬૮ ટકા યુવાનો બેકાર છે.'
તેઓએ આગળ જણાવ્યું હતું કે ''મારા યુવાન મિત્રો તમારી તમામ શક્તિ કામે લગાડી ઉત્તર પ્રદેશની ચૂંટણીને રોજગાર અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓની ચૂંટણી બનાવી દેજો.''
તે સર્વવિદિત છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું હતું કે, ''આ ચૂંટણી ૮૦ વિરુધ્ધ ૨૦ ટકા લોકોની ચૂંટણી બની રહેશે'' તેમણે વધુમાં કહ્યું હતું કે : ''ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદ સુશાસન'' અને વિકાસના મુદ્દાઓ ઉપર ચૂંટણી લડશે. ૮૦ ટકા જેટલા લોકો તેના સમર્થક છે. જ્યારે ૨૦ ટકા જેઓ તેનો વિરોધ કરે છે. તેઓ વિરોધ કરતા જ રહેશે તેમ છતાં, ઉ.પ્ર.માં સરકાર તો ભાજપની જ રચાશે અને 'સબકા સાથ સબકા વિકાસ'નું તેનું અભિયાન આગળ ધપાવવા સતત કાર્યરત રહેશે.