અમદાવાદમાં 99 વર્ષના સામુ બાએ 4 દિવસમાં કોરોનાને હરાવ્યો

May 04, 2021

અમદાવાદ : મક્કમ મનોબળ વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં અડગ રાખીને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર બનાવે છે. અમદાવાદના 99 વર્ષના વૃદ્ધાએ માત્ર 4 દિવસમાં કોરોનાને મહાત આપી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરથી બહાર ક્યારેય એકલા ન ગયેલા 99 વર્ષના સામુબેનને બાજુમાં સારવાર લઈ રહેલા યુવાને હિંમત આપી અને બા પોતે 4 દિવસમાં જ સજા થઈ ગયા હતાં. સામુબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ત્યારે તેમની બાજુમાં અન્ય ખાટલા પર કોરોનાની સારવાર મેળવી રહેલા 30 વર્ષીય નવયુવાન મૌલિક એકલા બેસેલા બાને નિહાળે છે. તેમની સમીપે જંઇ તેમની તકલીફ જાણવાની કોશિષ કરે છે. ત્યારે ખબર પડે છે કે તેઓ મુંઝાઇ રહ્યા છે. પરિવારને યાદ કરી રહ્યાં છે. તેમના પરિવારને નિહાળવાની પ્રબળ ઇચ્છા સેવી રહ્યા છે. પરંતુ તેનો માર્ગ જડી રહ્યો નથી. કેમકે સામુબેનને તો મોબાઇલ ચલાવતા પણ નથી આવડતો અને વોર્ડમાં કોઇને કહેતા પણ અચકાય છે.

આવી પરિસ્થિતિમાં પડોશીધર્મ શું હોય તેનું "મૌલિક"ઉદાહરણ મૌલિકે પુરુ પાડ્યુ. તેણે સામુબા જ્યાર સુધી વોર્ડમાં દાખલ રહ્યાં તે દિન સુધી શ્રવણ બનીને બા ની મદદ કરી. સામુબાને જ્યારે જ્યારે પોતાના પરિવારજનો સાથે વાત કરવાની, વીડિયો કોલ કરીને તેમને નિહાળવાની ઇચ્છા થતી મૌલિક ફોનથી સંપર્ક કરાવતો. બાને જ્યારે પણ એકલાપણું અનુભવાતુ તે બાથી વાતચીત કરીને દૂર કરતો.

આ કિસ્સાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 99 વર્ષીય સામુબેન ચૌહાણ કોરોનાગ્રસ્ત થયા. તેમનું ઓક્સિજનનું લેવલ પણ ઘટવા લાગ્યું. ત્યારે તેમના પૌત્ર વિશાલભાઇ તેમને આકસ્મિક સંજોગોમાં મિત્રની ગાડી લઇ ખાનગી વાહનમાં બેસાડીને અમદાવાદ સિવિલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. સિવિલની કોરોના 1200 બેડ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ઓક્સિજન લેવલ 90 પહોંચી ગયુ હતુ. જેથી ટ્રાયેજ વિસ્તારમાં પ્રોગ્રેસિવ સારવાર આપીને તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.