નૂપુર શર્માની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

July 06, 2022

નવી દિલ્હી : બીજેપીના સસ્પેન્ડ નેતા નૂપુર શર્માની ધરપકડની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ અબુ સુહેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ માગ કરી છે. વકીલના જણાવ્યા પ્રમાણે આ મામલે સુપ્રીમ કોર્ટ 11 જુલાઈના રોજ સુનાવણી કરી શકે છે.

અરજદારે અરજીમાં કહ્યું કે, નૂપુરની સામે FIR નોંધાયા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી. આ મામલે પોલીસ પર નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માગ કરી છે. આ ઉપરાંત આ અરજીમાં હેટ સ્પીચ મામલે તહસીન પૂનાવાલાના નિર્ણયને લાગુ કરવાની માગ કરવામાં આવી છે. 

અગાઉ મંગળવારે, તેણે ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારો નૂપુર શર્મા સામે સુપ્રીમ કોર્ટના તાજેતરના અવલોકનોની નિંદા કરી હતી અને આરોપ મૂક્યો હતો કે, સર્વોચ્ચ અદાલતે આ બાબતમાં 'લક્ષ્મણ રેખા' પાર કરી છે. 15 પૂર્વ ન્યાયાધીશો, અખિલ ભારતીય સેવાના 77 પૂર્વ અધિકારી અને 25 અન્ય લોકોએ કહ્યું કે, ન્યાયતંત્રના ઈતિહાસમાં આ દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ છે. આ બાબતે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે આહવાન કરવામાં આવે છે.

બીજી તરફ તેના જવાબમાં વકીલોના એક સંગઠન ઓલ ઈન્ડિયા બાર એસોસિએશને ભારતના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ દ્વારા નૂપુર શર્મા પર કરવામાં આવેલી હાલની ટિપ્પણીઓનું સમર્થન કર્યું હતું. એસોસિયેશનના અધ્યક્ષ આદિશ અગ્રવાલાએ પત્ર લખીને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી વિરુદ્ધ જે પણ અરજી દાખલ કરવામાં આવી રહી છે તેને ફગાવી દેવી જોઈએ.