દેશમાં કોરોનાના કુલ 251 કેસ: મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ કરી

March 21, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કુલ ૨૫૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ચારના મોત થઈ ચૂક્યા છે. ૨૩ દર્દીઓ કોરોનાની ઝપટમાં આવ્યા પછી સાજા થયા હતા. ૨૧૨ જેટલાં દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે અને એમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે.

ભારતમાં કોરોનાનો ફેલાવો વધ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે ૧૪,૩૭૬ સેમ્પલનું પરીક્ષણ થઈ રહ્યું છે. ભારતમાં કોરોનાના કુલ જેટલાં દર્દીઓ નોંધાયા છે, એમાંથી ૩૨ વિદેશી નાગરિકો છે. સૌથી વધુ ૧૭ ઈટાલીના અને ૫ બ્રિટિશ નાગરિકો ભારતમાં કોરોનાની ઝપટમાં આવ્યા હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચના અહેવાલમાં કહેવાયું હતું. રાજસ્થાનમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈટાલીના એક ૬૯ વર્ષના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. જયપુરમાં મેટ્રો સર્વિસ બંધ કરાઈ હતી. શંકાસ્પદ કેસોને આઈસોલેશનમાં રખાયા છે.

સૌથી વધુ ૫૨ કેસ મહારાષ્ટ્રમાં દર્જ થયા હતા. ૪૦ દર્દીઓ સાથે કેરળ બીજા ક્રમનું સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું હતું. ઉત્તર પ્રદેશમાં ૨૩ અને દિલ્હીમાં ૧૭ કેસ પોઝીટિવ નોંધાયા હતા. આ બંને રાજ્યોમાં સંક્રમણ રોકવાના ભાગરૂપે પગલાં ભરાયા હતા. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે, દુધ-અનાજ-કરિયાણા-શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત દવાની દુકાનો ખુલ્લી રહેશે એવી જાહેરાતો રાજ્ય સરકારોએ કરી હતી.

દિલ્હીમાં કાર્યરત ખાનગી કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે કે તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવે. સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશમાં પહેલી વખત કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એકથી આઠ સુધીની પરીક્ષા પણ રદ્ કરાઈ હતી અને બધાને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. વડાપ્રધાને કોરોના સામે લડવા માટે પગલાં જે ભરાઈ રહ્યા છે તેની સમીક્ષા કરી હતી અને બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યોની સ્થિતિ જાણી હતી.

કોરોના સામે લડવા માટે સૈન્યને સજ્જ કરાયું છે. સૈન્ય વડા એમએમ નરવણેએ સુરક્ષાદળોની તૈયારીની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં, સૈન્યના અધિકારીઓ અને જવાનોને પણ વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. લગભગ ૩૫ ટકા સૈન્ય અધિકારી અને ૫૦ ટકા જવાનો ૨૩મી માર્ચથી એક સપ્તાહ માટે વર્ક ફ્રોમ હોમ સેવા આપશે. જરૂર પડશે તો જ તેમને તુરંત બોલાવાશે નહીં તો તેમને સાવધાનીના ભાગરૂપે ઘરે રહેવાનું કહેવાયું છે.