કૃષિ કાયદાઓ રદઃ ખેડૂતોની મક્કમતા સામે સરકાર નમી

November 27, 2021

ગયા વર્ષે નવેમ્બરમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતોએ મોદી સરકારે બહુમતિના જોરે સંસદમાં પસાર કરેલા 3 કૃષિ કાયદાનો વિરોધ કરતા આંદોલનનું રણશિંગુ ફુંકી દીધુ હતુ. હજારો ખેડૂતોએ દિલ્હી જઇને ધરણા શરુ કરતા ૨૬ નવેમ્બરથી આંદોલનની શરૂઆત થઇ હતી. અનેક રાજ્યોની પોલીસે ખેડૂતોને દિલ્હી પહોંચતા રોકવા માટે પ્રયાસ કર્યાં. શિયાળાની ઠંડીમાં ખેડૂતો ઉપર વોટરકેનન દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો. પરંતુ ખેડૂતોનો જુસ્સો ન ઘટયો અને તેઓ દિલ્હી તરફ આગળ વધ્યાં. દિલ્હીની સરહદે પહોંચ્યા બાદ પોલીસે તેમને દિલ્હીમાં પ્રવેશતા રોક્યાં ત્યારે ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર જ ધરણા કરવા લાગ્યાં. એ પછી ઠંડી, કોરોના અને અન્ય કારણોસર આશરે 721 જેટલા ખેડૂતોના મૃત્યુ પણ નીપજ્યાં ત્યારે હવે ખેડૂતોનું આંદોલન ફળ્યું છે.
કૃષિ કાયદાને લઇને સરકારના વલણ ઉપર શરૂઆતથી સવાલ થઇ રહ્યાં હતાં. સૌથી પહેલા ગયા વર્ષે પાંચ જૂને સરકાર ત્રણ વટહુકમ લાવી હતી. જો કે, તે પછી સંસદના મોનસૂન સત્રમાં સરકારે બિલ તરીકે રજૂ કર્યાં. લોકસભામાં તો ભાજપ પાસે બહુમતિ હતી એટલા માટે બિલો પસાર કરાવવામાં કોઇ અડચણ ન આવી પરંતુ રાજ્યસભામાં સરકાર પાસે બહુમતિ ન હોવાના કારણે બિલ પસાર થવામાં અડચણ આવવાની શક્યતા હતી. જોકે ભારે હોબાળા વચ્ચે કૃષિબિલ રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર થઇ ગયાં.
નવા કૃષિ કાયદા વિશે સરકારનો દાવો હતો કે, એ ખેડૂતોના હિતમાં છે. જયારે સરકારનું કહેવું હતું કે, નવા કૃષિ કાયદા દ્વારા ખેડૂતો પર લાગેલા બંધનો દૂર થશે અને તેમને ખેતપેદાશોની વધારે સારી કિંમત મેળવવામાં સરળતા રહેશે. પરંતુ ખેડૂતોની દલીલ હતી કે આ કાયદા માર્કેટની વર્તમાન વ્યવસ્થા અંતર્ગત તેમને જે સંરક્ષણ હાંસલ છે એ સમાપ્ત કરી દેશે. સરકારે જે ત્રણ કાયદા ઘડયાં હતાં એમાંનો પહેલો ખેડૂતોને માર્કેટ સિવાય પણ કૃષિપેદાશો વેચવાની પરવાનગી આપતો હતો. બીજો કાયદો બિલમાં આવશ્યક વસ્તુઓની યાદીમાં સુધારો કરીને અનાજ, દાળ, તેલ જેવા ઉત્પાદનોને ગમે તેટલી માત્રામાં ખરીદવાની અને સંગ્રહ કરવાની છૂટ આપતો હતો. તો ત્રીજા કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. 
દેશભરના મોટાભાગના ખેડૂત સંગઠનોનો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે વિરોધ હતો. પરંતુ સરકારનું કહેવું હતું કે, આ પ્રથા ચાલુ થયા બાદ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરશે. ખેડૂતોને ખેતી માટે બીજ અને ટેકનિકલ સહાયતા જેવી આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ કોન્ટ્રાક્ટ દ્વારા મદદ મળશે એવા દાવા થતાં હતાં. પાક તૈયાર થતા નક્કી થયેલા ભાવે તે ખરીદવામાં આવે એવી પણ જોગવાઇ હતી. જોકે આ કંપનીઓ ખેત ઉત્પાદન કેટલા પ્રમાણમાં સંગ્રહ કરી શકશે એની કોઇ મર્યાદા નહોતી. એટલા માટે આવશ્યક ચીજવસ્તુ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. પાક કોઇ કારણોસર નિષ્ફળ જાય તો કોન્ટ્રાક્ટ કરનારી કંપની નુકસાનનું વળતર વીમા કંપનીઓ પાસેથી મેળવી શકે એવી પણ જોગવાઇ કરવામાં આવી. જોકે આ વ્યવસ્થામાં ખેડૂતના ઉત્પાદનો માટે નક્કી થતા ન્યૂનતમ સમર્થન મૂલ્યનું મહત્ત્વ ઘટી જાય એમ હતું.પાક ઉપર મળતું ન્યૂનતમ સમર્થન મૂલ્ય ખેડૂતો માટે મોટી સમસ્યા છે. એક અનુમાન પ્રમાણે માત્ર દસ ટકા ખેડૂતો જ ટેકાના ભાવે પોતાની ખેતપેદાશો વેચી શકે છે. જ્યારે ૯૦ ટકા ખેડૂતોને બજારમાં બેઠેલા વચેટિયાઓને ખેતપેદાશો નજીવા દામે વેચી દેવી પડે છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલન બાદ મોદી સરકારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ્ કરવાનો નિર્ણય લીધો છે. 
ગત શુક્રવારે મોદીએ દેશને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આ કાયદા ખેડૂતોના હિતમાં લાવવામાં આવ્યાં હતાં. પરંતુ તેમની તપસ્યામાં કોઇ કમી રહી ગઇ હશે કે તેઓ ખેડૂતોને એના વિશે સમજાવી ન શક્યાં. મોદીએ ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી તેના આઘાતમાંથી આજે દેશમો બહાર આવી ગયો છે. પણ ભાજપના નેતાઓને હજુ કળ વળી નથી. ભાજપના અનેક નેતાઓ દરરોજ સવારે ઉઠીને જે કૃષિ કાયદાના ફાયદાની માળા જપ્યા કરતા હતા, એ કાયદા જ અચાનક ગાયબ થઈ ગયા છે. તેના કારણે હતપ્રભ થઈ ગયેલા ભાજપના ઢગલાબંધ નેતા લવરીએ ચડી ગયા છે.
આમ પણ ખેડૂત આંદોલનને તોડવા ભાજપે અને ખુદ સરકારે ઉધામા કરી જોયા છે. શરૂઆતમાં ખેડૂતોને ખાલીસ્તાની કહેવાયા બાદ વોટરકેનનનો ઉપયોગ પણ કરાયો હતો. ઉપરાંત દિવસો સુધી મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓ નવા કાયદાથી લાભનું ગાણુ ગાતા રહ્યા હતા. જો કે, અઠવાડિયા પહેલા કાયદા પરત ખેંચવાની મોદીની જાહેરાત બાદ સયુંક્ત કિસાન મોરચાએ આંદોલન ચાલુ રાખ્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ પણ રાકેશ ટિકૈત જેવો જ રાગ આલાપ્યો છે. બલકે છ નવી માગણીઓ મૂકીને મોદી સરકાર માટે નવો માથાનો દુ:ખાવો ઊભો કરવાની મથામણ શરૂ કરી દીધી છે. રવિવારે સાંજે મળેલી સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં મોદીને ખુલ્લો પત્ર લખીને આ છ માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન કરી દેવાયું હતુ. કિસાન મોરચાએ જે છ માગણી મૂકી છે તેમાં મુખ્ય માગ લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ-એમએસપી)ને કાયદેસરતા આપીને તેના માટે કાયદો બનાવવાની છે. ખેડૂતને પાકના ઉત્પાદનમાં થયેલા ખર્ચ ઉપર ૫૦ ટકા નફો મળે એ રીતે એમએસપી નક્કી કરવાની મોરચાની માગ છે. મોરચાએ મોદીને યાદ અપાવી છે કે, ૨૦૧૧માં તમારા અધ્યક્ષસ્થાને બનેલી સમિતિએ જ આ ભલામણ કરી હતી અને સંસદમાં પણ તેનો અમલ કરવાની જાહેરાત કરાઈ હતી. પણ તેનો અમલ થયો નથી. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વિદ્યુત અધિનિયમ સંશોધન વિધેયક પાછું લેવાની પણ મોરચાની માગણી છે. એ જ રીતે દિલ્હીમાં પ્રદૂષણના નિયંત્રણ માટે બહાર પડાયેલા વટહુકમમાં ખેડૂતોને સજા આપવાની જોગવાઈ છે તે હટાવી લેવાની પણ મોરચાની માગ છે. કિસાન મોરચાએ ખેડૂત આંદોલન દરમિયાન હજારો ખેડૂતો સામે ખોટા કેસ થયા હોવાનો દાવો કરીને આ બધા કેસ પાછા ખેંચવાની માગ કરી છે. 
આ ઉપરાંત મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી અજય મિશ્રાને લખીમપુર ખીરી હત્યાકાંડના ષડ્યંત્રના મુખ્ય સૂત્રધાર ગણાવાયા છે. મોરચાનું કહેવું છે કે, મિશ્રા આજેય ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને મંત્રીમંડળમાં મંત્રી છે. મિશ્રા તમારા સહિત બીજા મંત્રીઓ સાથે સ્ટેજ પર પણ બેસે છે. મિશ્રાને તાત્કાલિક તગેડી મૂકીને જેલભેગા કરી દેવા જોઈએ. વધુમાં આ આંદોલન દરમિયાન 721 જેટલા ખેડૂતો શહીદ થયા છે., તેથી આ તમામ ખેડૂતોના પરિવારોને વળતર અને પુનર્વસવાટની વ્યવસ્થા કરી આપવાની પણ મોરચાની માગણી છે. મોદી સરકાર માટે આ બધી માગણીઓ સ્વીકારવી મુશ્કેલ છે. મોદી સરકાર વિદ્યુત અધિનિયમ બિલ પાછું લઈ શકે અને પ્રદૂષણ માટે ખેડૂતોને ગુનેગાર ગણીને સજા કરવાની જોગવાઈ પણ હટાવી શકે પણ આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને વળતરની માગ સ્વીકારવી મુશ્કેલ છે. ખેડૂતોની દલીલ તો એવી પણ છે કે, અગાઉ નાથન કમિટિમાં મોદી અધ્યક્ષ રહ્યા હતા. આ કમિટિએ ખેડૂતોના હિત માટે તૈયાર કરેલી ભલામણનો અમલ હજી કરાયો નથી. હકીકતમાં તો ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. યુપી એ ભારતીય રાજકારણ માટે મહત્વનો પ્રદેશ છે. લોકસભામાં સરકાર રચવા માટે પણ આ વિસ્તારમાં વધુ બેઠક જીતવી પડે છે. આવા સંજોગોમાં ખેડૂત આંદોલનને કારણે દેશ વિદેશમાં મોદી સરકારની છબી ખરડાઈ રહી હતી. જો યુપીમાં ભાજપને ફટકો પડે તો 2024માં લોકસભાની ચૂંટણીમાં જીત અને સરકાર રચવી અત્યંત મુશ્કેલ છે. તેથી મોદી સરકારે ખેડૂતો સામે નમતુ જોખી દીધુ છે.