મારી રાજકીય કારકિર્દીમાં અહેમદ પટેલનો મોટો ફાળો : હાર્દિક પટેલ

November 25, 2020

અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. અહેમદ પટેલ ઓક્ટોબરથી કોરોના સામે લડતા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અહેમદ પટેલ સાથેનાં સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે અહેમદ પટેલે મને એક જીવનમંત્ર આપ્યો હતો કે ધીરજતા+ગંભીરતા=સફળતા...

હાર્દિક પટેલે કહ્યું હતું કે 2019ની ચૂંટણીમાં હું પ્રચાર કરી રહ્યો હતો, એ દરમિયાન મને બહારનું જમવાનું ના ફાવતું હોવાથી હું ઘેરથી થેપલાં જેવો નાસ્તો લઈને જતો હતો, જેની જાણ અહેમદભાઈને થઈ તો તેમણે મને દિલ્હી તેમના ઘેર બોલાવીને મને ખીચડી-કઢી ખવડાવી હતી.

હું જ્યારે કૉંગ્રેસ સાથે જોડાયો એ પહેલાંની મુલાકાતમાં અહેમદ પટેલે મને કહ્યું હતું કે સમાજ માટે સત્તા અને પદ વિના પણ આટલી લડાઈ લડી રહ્યો છે, તો રાજકારણમાં આવ્યો તો સમાજ માટે વધુ સારી લડત આપી શકે છે. અહેમદ પટેલના જવાથી ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડ સાથેના સંપર્કમાં ગેપ પડી શકે છે, અહેમદ પટેલની જગ્યા ભરવી ઘણી અઘરી છે.