એર કેનેડાએ ટોચના અધિકારીઓને ૧૦ મિલીયન યુએસ ડોલર બોનસ પેટે ચુકવ્યા

June 07, 2021

  • વર્ષ ર૦ર૦માં એર એક તરફ સરકાર સાથેના કંપનીને બચાવવા વિચારણા ચાલી રહી છે તેવા સમયે જ આશ્ચર્યજક નિર્ણય
  • એર લાઈન કંપનીના અધિકારીઓ જ કંપનીને ફરી બેઠી કરશે તેવી આશા

ઓન્ટેરિયો : કોવિડ-૧૯ની મહામારીને પગલે ભારે ખોટનો સામનો કરી રહેલી એર કેનેડા અને સરકાર વચ્ચે કંપનીની બચાવ યોજના બાબતે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે જ કંપનીએ ટોચના અધિકારીઓ અને મેનેજર્સને અંદાજે ૧૦ મિલીયન યુએસ ડોલર જેટલું બોનસ ચુકવી દીધું છે. 
વર્ષ ર૦ર૦માં એર કેનેડાએ મોટી ખોટને પગલે હજારો કર્મચારીઓને છૂટા કરી દેવા પડયા હતા. એર કેનેડાના શેર હોલ્ડર્સ માટેના વાર્ષિક સરકયુલરમાં આ બોનસની જોગવાઈની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જે એકઝીકયુટીવ્સ અને મેનેજરોએ પગારકાપનો સામનો કર્યો હતો. 
તેમને વળતર તરીકે આ બોન આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, એર કેનેડા ફેડરલ સરકાર સાથે કરોડો ડોલરના રાહત પેકેજ માટેની વાટાઘાટો કરી રહી હોવાથી આ બોનસ જાહેર થયું હોવાની પણ ચર્ચા છે. 
એર લાઈને શેર હોલ્ડર્સને શેર એવોર્ડ તરીકે ફાળવવા અને અધિકારીઓને બોનસ ચુકવવાની વાતને યોગ્ય ઠરાવતા કહ્યું હતુ કે, મહામારી સમયે વરિષ્ઠ અધિકારીઓએ સંક્રમણને અટકાવવા ત્વરિત પગલાઓનો વ્યવસ્થિત અમલ કરાવીને કંપનીને વધુ નુકસાનથી બચાવી હતી. જેમાં અંદાજે ર૦ હજારથી વધુ કર્મચારીઓને છૂટા કરવાના પગલાનો પણ સમાવેશ થાય છે. જેનાથી કંપનીના વર્કફોર્સમાં પચાસ ટકાનો ઘટાડો થયો હતો. જો કે, એરલાઈનને સરકાર તરફથી કેનેડા ઈમરજન્સી વેજ સબસીડી અંતર્ગત ૬પ૬ મિલીયન યુએસ ડોલરની સહાય પણ મળી હતી. જેને કારણે બાકીના કર્મચારીઓની રોજગારી ચાલી હતી. એ રીતે જ ટોચના અધિકારીઓએ કંપનીના શેરહોલ્ડર્સને એવા સંકેતો પણ આપ્યા હતા કે, મહામારી બાદ કંપની ઝડપથી ફરીથી બેઠી થઈ શકશે. એર લાઈને એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, કંપનીની નેતાગીરી જ કંપનીને ઝડપથી બેઠી કરી શકશે એવી આશા ટોચના અધિકારીઓ પાસે રાખીએ છીએ. જો કે, કેનેડીયન યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોયીસ એર કેનેડા કોમ્પોનન્ટના પ્રમુખ વેસ્લી લીયોસ્કીએ એરલાઈનની ટીકા કરતા ગ્લોબલ ન્યુજને કહ્યું હતું કે, સરકાર તરફથી મળેલી વેજ સબસીડીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓને કોઈ લાભ થયો નથી અને એરલાઈન આ રીતે અધિકારીઓને બોનસ ચુકવે એ યોગ્ય નથી. જો કે, ગયા શિયાળામાં કંપનીએ જાહેર કર્યું હતું કે, એર કેનેડાનો બિઝનેસ ગયા વર્ષની સરખામણીમાં ત્રીજા ભાગનો થઈ ગયો હોવાથી તત્કાલિન ચીફ એકઝીકયુટીવ્સ કેલિનરોવિનેસ્કુ અને ડે.સીઈઓ માઈકલ રોઝેઉએ વર્ષ ર૦ર૦ના એપ્રિલ, મે અને જુન માસનો પગાર જતો કર્યો હતો. અને બાકીનો સમય માત્ર અડધા પગારે કામ કર્યું હતુ. અને છેલ્લા ત્રણ માસ ર૦ ટકા પગારકાપ સાથે કામ કર્યું હતુ. શેરના ભાવ પણ ઘણાં ઘટી ગયા હતા. જે પગારખર્ચ ઓછો થવાને કારણે સ્થિર થયા હતા. તેમની આ ભાવનાની કદર તરીકે એરલાઈને તેમને બોનસ ચુકવ્યું છે.