ચીન-પાકિસ્તાનની જુગલબંદીને ખતરનાક ગણાવતા આર્મી ચીફ નરવણે

January 12, 2021

ભારતીય સેનાના આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણેએ કહ્યું છે કે દેશની સેના માત્ર પૂર્વ લદ્દાખમાં જ નહીં પરંતુ ઉત્તરી બોર્ડર પર પણ હાઇ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારોનો જવાબ આપવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પત્રકાર પરિષદમાં કહ્યું કે ગયું વર્ષ પડકારોભર્યું રહ્યું હતું. બોર્ડર પર તણાવ હતો અને કોરોના સંક્રમણનો પણ ખતરો હતો. પરંતુ સેના એ તેનો સફળતાથી સામનો કર્યો છે. સેના પ્રમુખ નરવણે એ કહ્યું કે પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરે છે અને ટકરાવની આશંકાને દૂર કરી શકાય નહીં. તેમણે કહ્યું કે અમે ઉત્તરી બોર્ડર પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારી કરી છે અને કોઇપણ પડકારનો સામનો કરવા તૈયાર છીએ.
લદ્દાખ અને ઉત્તર સરહદની તૈયારીઓ અંગે કહેતા આર્મી ચીફે કહ્યું કે સેના એ શિયાળાને લઇ પૂરી તૈયારી કરી છે. લદ્દાખની સ્થિતિની માહિતી આપતા સેના પ્રમુખે કહ્યું કે અમને શાંતિપૂર્ણ સમાધાનની આશા છે પરંતુ અમે કોઇપણ આકસ્મિક પડકારોનો સામનો કરવા તૈયાર છીએ. તેના માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારી સંપૂર્ણ છે.
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં આર્મી ચીફે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદને ભલે છાવરે પરંતુ આતંકવાદના પ્રત્યે આપણી નીતિ ઝીરો ટોલરેન્સની છે. અમે અમારા પસંદગીનો સમય, સ્થળ અને લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવાના અમારા અધિકારને સુરક્ષિત રાખ્યો છે, એ સ્પષ્ટ સંદેશ આપણી સરહદ પાર બેઠેલા પાડોશી દેશને આપ્યો છે.