બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓ પર હુમલા:ભાજપ સાંસદની ધમકી- યાદ રાખજો TMCના નેતાઓએ અને મુખ્યમંત્રીએ પણ દિલ્હી આવવાનું તો થશે જ

May 04, 2021

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં BJPની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન પશ્ચિમ દિલ્હી લોકસભા સીટથી ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તૃણમૂલના નેતાઓએ પણ દિલ્હીમાં આવાનું છે.

તેમણે કહ્યું કે TMCના ગુંડાઓએ જીતવાની સાથે જ અમારા કાર્યકર્તાઓને માર્યા. કાર્યકર્તાઓની ગાડીઓ તોડી. ઉપદ્રવી તેમના ઘરને આગ લગાવી રહ્યાં છે. એ વાત યાદ રાખજો કે TMCના સાંસદ, મુખ્યમંત્રી, ધારાસભ્યોએ પણ દિલ્હી આવુ પડશે. આને ચેતવણી ગણજો. ચૂંટણીમાં હાર જીત થાય છે, મર્ડર નહિ.

બીજી તરફ ઉત્તરાખંડથી ભાજપ સાંસદ અનિલ બલૂનીએ પણ તૃણમૂલ પર હુમલો કર્યો. તેમણે સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક વીડિયો પણ શેર કર્યો. તેમણે લખ્યું બગાળમાં હિસાની સ્ક્રિપ્ટ પહેલેથીજ લખવામાં આવી હતી. મમતા બેનર્જીએ માર્ચમાં કહ્યું હતું કે સેન્ટ્રલ ફોર્સ તો જતી રહેશે. પછી કોણ બચાવશે? તે પછીથી અમે જ હોઈશું. એટલે કે બંગાળમાં હિંસાનો ખેલ ચાલી રહ્યો છે, એ TMCએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું. શરમજનક.