ડોપિંગ કેસમાં બાંગ્લાદેશી ક્રિકેટર અનીક ઇસ્લામ સસ્પેન્ડ

July 27, 2020

ઢાકાઃ બાંગ્લા દેશના યુવાન ફાસ્ટ બૉલર કાજી અનિક ઇસ્લામે ડ્રગ લીધી હોવાનું પુરવાર થતાં એના પર બે વર્ષ  માટે બૅન લાદવામાં આવ્યો હતો.  અનિક પર 2018માં ડોપ ટેસ્ટ થયો હતો. એ જ વરસેઅન્ડર 19 વર્લ્ડ કપમાં અનિકે સૌથી વધુ વિકેટ લીધી હતી.  ડોપ ટેસ્ટમાં એવું પુરવાર થયું હતું કે અન્ડર 19 વર્લ્ડ કપમાં ભાગ લેવા અગાઉ અનિકે મેથામફેટામાઇન નામની ડ્રગનું સેવન કર્યું હતું. ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અનિકે પોતાની ભૂલ કબૂલ કરી લીધી હતી. 21 વર્ષના અનિકને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.  બાંગ્લા દેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે અનિક ઇસ્લામે ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ડ્રગ લીધી હોવાનો એકરાર કર્યો હતો. જો કે અમારી તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિકે અજાણતામાં આ ડ્રગ લીધી હતી. એ ડ્રગનો બંધાણી નહોતો. પોતાના દેખાવને વધુ  પ્રભાવશાળી બનાવવાના હેતુથી સમજી વિચારીને કે આયોજનબદ્ધ રીતે એણે ડ્રગનું સેવન કર્યું નહોતું.