બંગાળ બીજેપીના અધ્યક્ષ ઘોષ કોરોના પૉઝિટિવ

October 18, 2020

કોલકાતા : પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ શુક્રવારે કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા છે. જે બાદમાં તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાહેરાત પ્રમાણે તેમને તાવ હતો. જે બાદમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે ઘોષને ૧૦૨ ડિગ્રી તાવ હતો, હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમના ઑક્સિજનનું સ્તર સામાન્ય છે. ચિંતાની કોઈ વાત નથી. છેલ્લા બે દિવસથી ઘોષની તબીયત સારી ન રહેતા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ પ્રદેશ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષ કોરોના વાયરસના સંક્રમણને લઈને વિવાદિત નિવેદનો કરીને ચર્ચામાં રહ્યા હતા. આ પહેલા તેમણે એક નિવેદનમાં કહ્યુ હતુ કે ગૌમૂત્ર પીવાથી શરીરમાં કોરોના વાયરસ સહિત તમામ પ્રકારના વાયરસથી લડવાની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘોષનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહી રહ્યા હતા કે, *જો હું તમને ગાયની વાત કરું તો અનેક લોકોને નહીં ગમે. ગધેડા કયારેય પણ એક ગાયનું મહત્ત્વ નહીં સમજે. આ ભારત છે, ભગવાન કૃષ્ણની ધરતી, અહીં ગાયની પૂજા કરવામાં આવે છે. આપણે સ્વસ્થ રહેવા માટે ગૌમૂત્ર પીવું જોઈએ. જે દારૂ પીવે છે તેઓ એક ગાયનું મહત્ત્વ કેવી રીતે સમજશે.