ઓબામા વહીવટી તંત્રના ૬ પૂર્વ વરિષ્ઠ અધિકારીઓનું બિડેનને સમર્થન

May 31, 2020

વોશિંગ્ટન : ઓબામા વહીવટી તંત્રના ૬ પૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ પ્રમુખ પદ માટે ડેમોક્રેટિક પ્રમુખ પદના ઉમેદવાર જો બિડેનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમાં ં ભારતના પૂર્વ અમેરિકન રાજદૂત રિચાર્ડ વર્મા, દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોના પૂર્વ સહાયક  પ્રધાન નિશા દેસાઇ બિસ્વાલ, પૂર્વ યુએસ ચીફ ટેકનોલોજી ઓફિસર અનિશ ચોપરા અને વ્હાઇટ હાઉસના પૂર્વ કેબિનેટ સચિવ ગૌરવ બંસલનો સમાવેશ થાય છે.

વ્હાઇટ હાઉસ ઇનિશિએટીવ ઓન એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઇસલેન્ડર્સના પૂર્વ એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર કિરણ આહુજા, ડિપાર્ટમેન્ટ ઓફ લેબરના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ સિમા નંદા, વ્હાઇટ હાઉસઓફિસ ઓફ સોશિયલ ઇનોવેશન એન્ડ સિવિક પાર્ટિસિપેશનના પૂર્વ ડાયરેક્ટર સોનલ શાહ ઉપરાંત અનેક એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર્સ(એએપીઆઇ)એ જો બિદેનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

આ તમામ લોકોએ જણાવ્યું છે કે અમે ઓબામા વહીવટી તંત્રમાં ઉપ પ્રમુખ રહી ચૂકેલા જો બિદેન સાથે કામ કર્યુ છે. ૨ કરોડ અમેરિકનોને સસ્તા દરે હેલ્થ ઇન્સ્યુરન્સ આપવા માટે આપણે તેમને કાયમ માટે યાદ કરતા રહીશું. આપણે તેમને અમેરિકાને મહા મંદીમાંથી બહાર લાવવા માટે હંમેશા યાદ કરતા રહીશું.

૭૭ વર્ષીય બિડેન ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. ઓગસ્ટ મહિનામાં ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.