દિલ્હીમાં વિસ્ફોટનો પ્લાન નિષ્ફળ, ગાઝીપુરમાં મળ્યો 3 કિલોનો IED બોમ્બ

January 14, 2022

દિલ્હીઃ 26 જાન્યુઆરીના થોડા દિવસ પહેલા દિલ્હીના ગાઝીપુર ફૂલ મંડીમાં શુક્રવારે શક્તિશાળી આઈઈડી વિસ્ફોટક મળવાથી સનસની ફેલાય છે. આ વિસ્ફોટક એક કાળા કલરની બેગમાં રાખવામાં આવ્યો હતો, જેને સમય રહેતા ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યો છે. કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા બોમ્બને ડિફ્યૂઝ કરવા દરમિયાન થયેલો ધમાકો એટલો જોરદાર હતો કે જેનો અવાસ સાંભળીને લોકો ડરી ગયા હતા. ઘટનાને લઈને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 


નેશનલ સિક્યોરિટી ગાર્ડએ જણાવ્યું કે ગાઝીપુરથી જપ્ત ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસનું વજન આશરે ત્રણ કિલો હતું. એનએસજીના બોમ્બ ડિફ્યૂઝ સ્ક્વોડને દિલ્હી પોલીસ પાસેથી સવારે આશરે 11 કલાકે સૂચના મળી હતી અને બપોરે આશરે 1.30 કલાકે વિસ્ફોટકને આઠ ફૂટ ઉંડા ખાડામાં દબાવી ડિફ્યૂઝ કરી દીધો હતો. 


એનએસજીના ડાયરેક્ટર એમએ ગણપતિએ જણાવ્યું કે ફોરેન્સિક ટીમ દ્વારા આઈઈડીના નમૂના એકત્ર કરવામાં આવ્યા છે. એનએસજીએ વિસ્ફોટકમાં ઉપયોગ કરાયેલા રાસાયણિક ઘટક વિશે રિપોર્ટ તૈયાર કરવા માટે ટીમની રચના કરી છે. ગણપતિએ જણાવ્યું કે એનએસજીની બોમ્બ વિરોધી ટીમને પ્રથમ દ્રષ્ટિએ ગાઝીપુરથી જપ્ત આઈઈડીના નિર્માણમાં આરડીએક્સ અને અમોનિયમ નાઇટ્રેટ જેવા સારાયણ મળ્યા છે.