બોલીવુડ ગાયિકા કનિકા કપૂરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ: ત્રણ પાર્ટીઓમાં ભાગ લીધો હતો

March 21, 2020

નવી દિલ્હી : 'બેબી ડોલ' ફેઇમ બોલિવુડ ગાયિકા કનિકા કપુરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કેટલીયે હાઈ પ્રોફાઈલ વ્યક્તિઓમાં ફફડાટ પ્રવર્તી રહ્યો છે. કનિકા કપુર ગત ૯ માર્ચે લંડનથી પરત આવી અને તેના બે ચાર દિવસ દરમ્યાન લખનૌમાં તે એક અને કાનપુરમાં બે એમ કુલ ત્રણ પાર્ટીઓમાં હાજરી આપી જેમા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે તેમનો સાંસદ પુત્ર દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી સહિત વીવીઆઈપી મહેમાનો, આઈએએસ અધિકારીઓ સહિત ૨૦૦ મહેમાનોએ લખનૌની પાર્ટીમાં હાજરી આપી હતી.

આજે કનિકા કપુરે સોશિયલ મીડિયા પર ધડાકો કર્યો હતો કે 'મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું વ્યથિત છું અને છેલ્લા દિવસોમાં જે જે લોકોને મળી છું તે બધાને યાદ કરીને ફોન કરૂ છું કે તેઓ તેમની સંભાળ લે કેમ કે હું કોરોનાગ્રસ્ત છું.' આ સમાચાર વહેતા થતા તરત જ વસુંધરા રાજે અને તેમનો પુત્ર પણ જાતે જ ૧૪ દિવસ માટે અલાયદા થઇ ગયા છે.

વસુંધરાએ પણ ટ્વિટ કર્યું છે કે મેં અને મારા પુત્રએ લખનૌમાં કનિકા હાજર હતી તે પાર્ટીમાં ભાગ લીધો હતો અને અમારા વેવાઈ જોડે ત્યાં ભોજન પણ લીધું હતું. સ્વાભાવિક છે કે તે પાર્ટીમાં હાજરી આપનાર તમામ જાતે જ ૧૪ દિવસના આઈસોલેશનમાં ચાલ્યા  જશે.

મોદીની હાજરીવાળી સંસદીય બેઠકમાં દુષ્યંત પણ હતા !

૧૭ માર્ચે ભાજપની પાર્લામેન્ટરી બેઠક કે જેમાં વડાપ્રધાન મોદી સહિતના સાંસદો હાજર હોય તેમાં દુષ્યંતસિંઘે પણ ભાગ લીધો હતો તે પછીના દિવસે દુષ્યંતે ૧૮ માર્ચે ટ્રાન્સપોર્ટ ટુરિઝમ અને કલ્ચરની પાર્લામેન્ટની પેનલની મિટિંગમાં પણ  દુષ્યંતે હાજરી આપી હતી. જો દુષ્યંતનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તમામ સાંસદો પણ તેની પકડના ભય હેઠળ આવશે. 

કનિકા કપુરને કોરોના થતા હવે દુષ્યંત પણ સઘન તપાસ હેઠળ અલાયદા ૧૪ દિવસ કાઢશે. તે જાણીને તમામ સાંસદો પણ હવે ભારે ડર અનુભવી રહ્યા છે કેમ કે દુષ્યંતે છેલ્લા દિવસોથી સાંસદની કાર્યવાહીમાં હાજરી આપી છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરીન ઓ'બ્રાયને રોષ ઠાલવ્યો છે કે હું ગત અઠવાડીયે જ સંસદમાં દુષ્યંતની સાવ નજીક અઢી કલાક બેઠો હતો. તે પછી બે સાંસદોને કોરોના જેવા ચિહ્નો જણાયા હોઈ તેઓ આઇસોલેશનમાં છે. શક્ય છે દુષ્યંત કે આવી રીતે મેળાવડામાં ભાગ લેતા સાંસદોને લીધે બીજા સાંસદોને પણ ચેપ લાગી શકે.  ડેરેન ઓ'બ્રાયને કેન્દ્ર સરકાર પર રોષ વ્યક્ત કરીને કહ્યું હતું કે આ સરકાર અમને અને અમારા થકી સૌને જોખમમાં મુકી રહી છે. 

૧૮ માર્ચે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક સાંસદોને બ્રેકફાસ્ટ મિટિંગમાં આમંત્રણ આપ્યુંહતું. તેમાં પણ દુષ્યતસિંહ હતા હવે રાષ્ટ્રપતિ સહિત તમામે 'આઇસોલેશન'માં જવું જોઈએ.