દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો : બુધવારે 1.94 લાખથી વધુ કેસ

January 12, 2022

- દૈનિક સંક્રમણ દર વધીને 11.05% થઈ ગયો ત્રીજાં મોજાં દરમિયાન પહેલી વાર સંખ્યા 9 લાખથી વધુ
દિલ્હી : કોરોના કેડો છોડતો નથી. ફરી તેનો કાળ વકર્યો છે. આરોગ્ય મંત્રાલય (કેન્દ્રીય)ના આંકડા જણાવે છે કે, દેશમાં ૧ લાખ ૯૪ હજાર ૭૨૦ નવા કેસ નોંધાયા છે. અને દૈનિક સંક્રમણનો પણ દર વધીને ૧૧.૦૫% સુધી પહોંચ્યો છે. સાથે કોરોનાનાં આ ત્રીજા મોજાં દરમિયાન 'એક્ટિવ-કેસો'ની સંખ્યા ૯ લાખથી ઉપર પહોંચી ગઈ છે. અત્યારે દેશમાં કોરોનાના ૯ લાખ ૫૫ હજાર ૩૧૯ 'એક્ટિવ' કેસો છે. આ આંકડા હજી સુધીમાં મળેલા કુલ કોરોના કેસોના ૨.૬૫% જેટલા છે. આટલું ઓછું હોય તેમ રીકવરી રેઈટ પણ ઘટીને ૯૬.૦૧% જેટલો નીચો ગયો છે. દરમિયાન કોરોનાના ૪૪૨ દર્દીઓનાં મૃત્યુ થયાં છે.


સ્વીકાર્ય છે કે છેલ્લા એક દિવસમાં કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યા ૬૦,૪૦૫ રહી છે પરંતુ તે આગળના દિવસ કરતાં ઓછી છે. મંગળવારે સાજા થનારાની સંખ્યા ૭૦ હજાર જેટલી હતી. આ સાથે ભારતમાં કોરોનાનાં વેક્સિનેશનની ઝૂંબેશ પણ ઝડપી બની રહી છે. હજી સુધીમાં દેશભરમાં મળીને વેક્સિનના કુલ ૧૫૩.૮૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.