બ્રિટનના સૌથી ધનિક ભારતીય લક્ષ્મી મિત્તલના ભાઇ નાદાર જાહેર

June 30, 2020

લંડન : વિશ્વની સૌથી મોટી સ્ટીલ નિર્માતા કંપની આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી મિત્તલના ભાઇ પ્રમોદ મિત્તલને નાદાર જાહેર કરવામાં આવ્યા છે. પ્રમોદ મિત્તલે 2013માં પોતાની પુત્રીના લગ્નમાં 8.2 કરોડ ડોલર(અંદાજે 500 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો. આ લગ્ન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતાં. જો કે આજે તેઓ 16 કરોડ ડોલરનું દેવું ચૂકવી ન શકતા તેમને નાદાર જાહેર કરવામાં આવ્યા છે.  

આ સમગ્ર દેશ બોસ્નિયાની કંપની સાથે જોડાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 64 વર્ષીય પ્રમોદ અનેક લોનની અવેજમાં ગેરંટર હતાં. જો કે છેતરપિંડીના કેસમાં ફસાયા પછી તે પોતાનું દેવું ચૂકવી શક્યા ન હતાં.

સૂત્રોના જણાવ્યા અનુસાર પિતાની મિલકત અંગે લક્ષ્મી મિત્તલ અને પ્રમોદ મિત્તલ વચ્ચે વિવાદ ચાલતો હતો. લક્ષ્મી મિત્તલ પ્રમોદને જામીન અપાવવામાં કે તેમનું દેવું ચુકવવામાં મદદ કરી રહ્યાં નથી.

જો કે લક્ષ્મી મિત્તલે ભૂતકાળમાં પોતાના ભાઇ પ્રમોદની અનેક વખત મદદ કરી હતી. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલના નાના ભાઇ અને ઉદ્યોગપતિ પ્રમોદ મિત્તલ અગાઉ પણ અનેક વિવાદમાં ઘેરાયા હતાં. વર્ષ 2019માં છેતરપિંડી અને સત્તાનો દુરૂપયોેગ કરવા બદલ બોસ્નિયામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ લુકાવાસના ઉત્તર પૂર્વમાં આવેલા કોકિંગ પ્લાન્ટ જીઆઇકેઆઇએલ સાથે થયેલ છેતરપિંડી સાથે સંકળાયેલ છે. પ્રમોેદ 2003થી આ કંપનીનું સંચાલન કરી રહ્યાં હતાં અને તેમાં 1000 કર્મચારીઓ હતાં. તેઓ આ કંપનીના સુપરવાઇઝરી બોર્ડના ચેરમેન હતાં.