બ્રિટિશ દોડવીર ફરાહ ફક્ત ૨૨ સેકંડ માટે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થતાં રહી ગયો

June 07, 2021

નવી દિલ્હી: બે વારનો ઓલિમ્પિક વિજેતા મો ફરાહની આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરવાની આશાઓ ખતમ થઇ રહી છે કેમ કે યુરોપિયન કપમાં ૧૦,૦૦૦ મીટરમાં ક્વોલિફાઇંગ માર્ક હાંસલ કરવામાં ફક્ત ૨૨ સેકંડથી ચૂકી ગયો છે. ૩૮ વર્ષનો આ દિગ્ગજ દોડવીર આઠમા ક્રમ પર રહ્યો હતો. તે પોતાના જ વતનના માર્ક સ્કોટની પાછળ રહી ગયો હતો. ફરાહે બર્મિંઘમમાં ૨૭ મિનિટ ૫૦.૫૪ સેકંડમા રેસ પૂરી કરી હતી જે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ માર્કથી ૨૨ સેક્ડ વધારે હતી. ફરાહે જણાવ્યું હતું કે તેને ડાબા પગની ઘૂંટીમાં ઇજા હતી. તેણે રેસ પછીની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પરિણામથી હું ઘણો નિરાશ છું. પાછલા ૧૦ દિવસ મારા માટે સારા રહ્યા નથી. પરંતુ મેં કેરિયરમાં ભલે ઘણું બધું હાંસલ કર્યું હોય તેમ છતાં એ જરૂરી છે કે હું ટ્રાયલ્સમાં આવીને પોતાનો સારામાં સારો દેખાવ પ્રસ્તુત કરું. અહીં  આવીને કોઈ પ્રદર્શન ન કરવાનું આસાન હોત. મેં ઘણી બદી મહેનત કરી અને ૧૫ લેપ બચ્યા હતા. તમે મારો ચહેરો જોયો હશે. મને ભારે દુખાવો થતો હતો, મારે આગળ વધવા સતત મહેનત કરવી પડી. પોતાની જાતને પડકારો આપવાની અને સાબિત કરવાની બાબત જ આપણને મહાન બનાવે છે. એ બાબત તમારે દરેક આગળના સ્ટેજ પર દર્શાવવી પડે છે.
ફરાહ હવે ૫૦૦૦ મીટરની રેસ પર ધ્યાન આપશે જે મોરચા પર તેણે લંડન ઓલિમ્પિક ૨૦૨૧ અને રિયો ઓલિમ્પિક ૨૦૧૬માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ૨૬ જૂને યોજાનારી બ્રિટિશ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને તે ઓલિમ્પિક ટિકિટ હાંસલ કરવાનું વિચારશે. ફરાહે નિરાશાજનક દેખાવ કર્યો તેનું પરિણામ એ આવી શકે કે ટોક્યો ઓલિમ્પિક બાદ તે ક્ષેત્રસંન્યાસ લેવાના પોતાના વિચારને આગળ ધપાવી શકે. પાછલા સાડા ત્રણ વર્ષથી ફરાહ પોતાની ટ્રેક સફળતાને હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે સફળતા મેળવી શક્યો નથી.
બીજી તરફ મહિલા એલિટ રેસમાં ઈલિશા મૈક્કોલગને ઇઝરાયેલની સેલમવિત ટેફેરીને અંતિમ ૫૦ મીટરની રેસમાં પાછળ રાખી દઇને ૩૧:૧૯:૨૧ સેકંડમાં રેસ પૂરી કરી ટોક્યો માટેની ટિકિટ હાંસલ કરી લીધી હતી. જેસ જડે ૩૧:૨૦.૮૪ સેકંડ સાથે ત્રીજા સ્થાન પર રહી હતી. તે પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઇ ગઈ હતી. ૨૬ વર્ષની દોડવીર માટે આ પ્રથમ ઓલિમ્પિક ગેમ હશે. તે પાછલા મહિને પહેલી વાર ૧૦,૦૦૦ મીટરની રેસમાં ઊતરી હતી