બુમરાહ પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસથી બહાર : બીસીસીઆઇ સૂત્ર

January 13, 2021

નવી દિલ્હીઃ રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી ઓસ્ટ્રલિયાની વિરુદ્ધ ચોથી ટેસ્ટથી બહાર થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. બીસીસીઆઇના સૂત્રો મુજબ, જસપ્રીત બુમરાહ પણ પેટના સ્નાયુઓમાં ખેંચાણના કારણે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણના અગત્યના સભ્ય બુમરાહે તકલીફ સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન થઈ હતી. મળતી જાણકારી મુજબ, બુમરાહના સ્કેન રિપોર્ટમાં ખેંચાણ વિશે જાણ થઈ છે અને ભારતીટ ટીમ મેનેજમેન્ટ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ચાર ટેસ્ટની આગામી સીરીઝને જોતાં તેની ઈજાને વધારવાનું જોખમ નથી લેવા માંગતું. બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, સિડનીમાં ફિલ્ડિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહના પેટમાં ખેંચાણ આવ્યું હતું. તે બ્રિસબન ટેસ્ટથી બહાર રહેશે, પરંતુ ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં તે ઉપલબ્ધ રહેવાની આશા છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે બે ટેસ્ટ રમનારો મોહમ્મદ સિરાઝ ભારતીય આક્રમણની આગેવાની કરશે અને ૧૫ જાન્યુઆરીથી શરૂ થનારી બ્રિસ્બન ટેસ્ટમાં નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન તેનો સાથ આપશે. જસપ્રીત બુમરાહના બહાર થતાં ટી. નટરાજનને ચોથી ટેસ્ટમાં તક મળી શકે છે, કારણ કે તેના સિવાય કોઈ ખેલાડી બચ્યો નથી. ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતની ફિટનેસ સમસ્યાઓ વધતી જઈ રહી છે અને સિડનીમાં ડ્રો રહેલી ત્રીજી ટેસ્ટના હીરો હનુમા વિહારી હૈમસ્ટ્રિંગની ઈજાના કારણે ચોથી ટેસ્ટ નહીં રમી શકે. બીજી તરફ, રવિન્દ્ર જાડેજાનો અંગૂઠો ડિસ્લોકેટ થઈ ગયો છે. હવે જસપ્રીત બુમરાહના પેટના સ્નાયુઓમાં ખેંચાણ આવી ગયું છે. રવિચંદ્રન અશ્વિન પણ પીઠની ઈજાના કારણે પાંચમાં દિવસે તકલીફમાં જોવા મળ્યો હતો.