બટલરનો જોશ હાઈ : રાજસ્થાને હૈદરાબાદને ૫૫ રને હરાવ્યું

May 03, 2021

નવી દિલ્હી : આઈપીએલ ૨૦૨૧ સિઝનની ૨૮મી મેચમાં રવિવારે રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૫૫ રને હરાવી દીધું હતું. રાજસ્થાને ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૨૨૦ રન ફટકાર્યા હતાં તેના જવાબમાં હૈદરાબાદ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૫ રન નોંધાવી શક્યું હતું. જો કે રવિવારની મેચનો સુપર હિરો જોસ બટલર હતો જેણે પોતાનું ૩૬૦ ડિગ્રી પ્લેયર ફોર્મ પરત લાવીને ફક્ત ૬૪ બોલમાં ૧૨૪ રન બનાવ્યા હતાં તેણે ૧૧ ફોર અને આઠ સિક્સ ફટકારી હતી. નોંધનીય છે કે રાજસ્થાને અગાઉ ક્યારેય પણ હૈદરાબાદને પ્રથમ બેટિંગ લઇને હરાવ્યું ન હતું. રાજસ્થાનના બોલર્સે પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો અને મોરિસ તથા મુસ્તફિઝુરે હૈદરાબાદની ૩-૩ વિકેટ ઝડપી હતી. હૈદરાબાદની ટીમમાં વોર્નરના સ્થાને વિલિયમસનની કેપ્ટન તરીકે વરણી થયા બાદ રવિવારે વોર્નરને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. મનીશ પાંડે અને બેઇરસ્ટોએ હૈદરાબાદ માટે ઓપનિંગ કર્યું હતું. બન્નેએ અનુક્રમે ૩૧ અને ૩૦ રન નોંધાવ્યા હતાં. ત્રીજા ક્રમે આવેલા વિલિયમસને ૨૦ રન કર્યા હતાં તે સિવાય કોઇ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો ન હતો. રાજસ્થાને હૈદરાબાદને પાછલી ચાર મેચમાંથી ત્રણ મેચમાં પરાજિત કર્યું છે. જીઇઁ આ સિઝનમાં સાતમાંથી છ મેચ હાર્યું છે. પોઇન્ટ ટેબલ પર સૌથી નીચે છે. આ અગાઉ રાજસ્થાને બટલરના ૧૨૪ અને સેમસનના ૪૮ રનની મદદથી ફક્ત ત્રણ વિકેટે ૨૨૦ રન નોંધાવ્યા હતાં. બટલરે ટી૨૦ કેરિયરની પ્રથમ સદી નોંધાવી હતી. તેણે શરૂઆત ધીમી કરી હતી, ૩૯ બોલમાં પ્રથમ ૫૦ રન નોંધાવ્યા હતાં પરંતુ તે પછી ખભા ઊંચકીને હૈદરાબાદના બોલર્સને ફટકારવાનું શરૃં કર્યું હતું અને બીજા ૫૦ રન ફક્ત ૧૭ બોલમાં પુરા કર્યા હતાં. બટલરે ૨૬૦ ટી૨૦ મેચ રમ્યા બાદ તેની પ્રથમ સદી નોંધાવી હતી. જોસ બટલરે ૫૬ બોલમાં ૧૦ ફોર અને પાંચ સિક્સની મદદથી પોતાની સદી પુરી કરી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૧૭૮.૫૭નો હતો. આઈપીએલ ૨૦૨૧ની સિઝનની આ ત્રીજી સદી છે.