મુખ્યમંત્રીના માહિતી નિયામક અને ડ્રાઈવર કોરોના સંક્રમિત, એક સપ્તાહમાં VIP સુરક્ષામાં તહેનાત કુલ 17 જવાનો કોરોનાગ્રસ્ત

April 07, 2021

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે.

રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પહેલાં બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ, એક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.

હાલમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતાં ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.