મુંબઇમાં ટાઢોબોળ શિયાળો જામ્યો : ઠંડીનો પારો સીધો સાત ડિગ્રી નીચો ઉતરી ગયો

February 01, 2020

મુંબઇ : મુંબઇ ફરી એક વખત ગિરિમથકમાં ફેરવાઇ ગયું છે.મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ફરી એક વખત કડકડતો શિયાળો જામ્યો છે.છેલ્લા ત્રણેક દિવસથી મુંબઇના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં  મોટો અને નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાથોસાથ મુંબઇ નજીકનાં થાણે,પાલઘર અને પનવેલ વગેરેમાં પણ વાતાવરણ ઠંડુગાર થઇ ગયું છે.

આજે ગુરુવારે પશ્ચિમનાં પરાં ગોરેગાંવ,કાંદિવલી અને બોરીવલી ફરી એક વખત ટાઢાંબોળ થઇ ગયાં હતાં અને ત્યાં ઠંડીનો પારો સરેરાશ ૧૦-૧૨ ડિગ્રી જેટલો  નોંધાયો હતો.સાથોસાથ પૂર્વનાં પરાં મુલુંડ,પવઇ,ચેમ્બુરમાં પણ ઠંડીનો પારો સરેરાશ ૧૨થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો નીચો રહ્યો હતો. 

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને  જણાવ્યું હતું કે બુધવારે મુંબઇના મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો હતો.આજે ગુરુવારે ઠંડીની અસર વધુ વરતાતાં સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ સીધો સાત ડિગ્રી સેલ્સિયસ નીચો સરક્યો હતો.

બુધવારે સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાન ૧૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે આજે ગુરુવારે સાંતાક્રૂઝમાં લઘુત્તમ તાપમાનનો પારો વહેલી સવારે ૫-૩૦ વાગે ૧૫.૪ ડિગ્રી નોંધાયું હતું.જોકે ત્યારબાદ તો અતિ ટાઢાબોળ  અને તીવ્ર પવનો  ફૂંકાવાનું શરૂ થતાં વાતાવરણ વધુ ટાઢુંબોળ થઇ ગયું હતું અને લઘુત્તમ તાપમાનનો પારો સાત ડિગ્રી જેટલો નીચો સરકીને ૧૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.બીજીબાજુ બુધવારે કોલાબમાં લઘુત્તમ તાપમાન ૨૦.૦ ડિગ્રી નોંધાયું હતું જે આજે ગુરુવારે ચાર ડિગ્રી ઘટીને ૧૬.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે હાલ મુંબઇ પર ઇશાન દિશામાંથી ઠંડાગાર પવનો ફૂંકાઇ રહ્યા છે.વળી,આ પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા હોવાથી તેની ઠંડીગાર અસર વધુ અનુભવાઇ રહી છે.આવું ટાઢુંબોળ વાતાવરણ હજી બે-ત્રણ દિવસ સુધી રહે તેવી શક્યતા છે.

જોકે હવામાન ખાતાએ અતિ ઠંડું વાતાવરણ અને તીવ્ર પવનો ફૂંકાતા હોવાથી વૃદ્ધો અને બાળકોના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવા સલાહ આપી છે.ઉપરાંત વહેલી સવારે  બહાર ફરવા જતી વ્યક્તિઓએ પણ કાળજી લેવી કારણ કે આવા ઠંડા વાતાવરણમાં પ્રદૂષણનાં સુક્ષ્મ રજકણો વાતાવરણના નીચેના પટ્ટામાં તરતાં હોય છે.આવાં રજકણો શ્વાસમાં જવાથી આરોગ્યને હાની થાય છે.