ગરમીમાં કૂલ લુક અને કમ્ફર્ટ આપતાં આરામદાયક લોઅર્સ

March 07, 2022

સામાન્ય રીતે ગરમીમાં આપણે એવાં કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ જે કમ્ફર્ટેબલ હોવાની સાથે સ્ટાઇલિશ પણ હોય. કૉલેજ ગોઇંગ ગર્લ્સ હોય કે વર્કિગ વુમન તમે ગમે એટલા ડ્રેસીસ કે સૂટ પહેરી લો પણ વૉર્ડરોબમાં જે જગ્યા પેન્ટ્સ અને ટ્રાઉઝર્સની છે તેને કોઈ બીજા આઉટફિટ લઇ શકતાં નથી, પરંતુ ગરમીમાં સ્કિની જિન્સ કે ફીટેડ પેન્ટ્સ પહેરવાની હિંમત થતી નથી. એનો અર્થ એ નથી કે ગરમીમાં પેન્ટ્સ સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે. પેન્ટ્સમાં એવા ઘણાં પ્રકાર છે, જેને તમે આરામથી ગરમીમાં પણ પહેરી શકો છો અને સ્ટાઇલિશ લાગી શકો છો. આજે અમુક એવાં પેન્ટ્સ અને લોઅર્સની વાત કરીશું જેને ગરમી માટે તમારા વૉર્ડરોબમાં સામેલ કરો.

ફ્લેયર્ડ જિન્સ
જે યુવતીઓ માટે જિન્સ ગો ટૂ આઉટફિટ છે, તેમના માટે ફ્લેયર્ડ જિન્સ બેસ્ટ ઓપ્શન છે. ફ્લેયર્ડ જિન્સમાં તમને અનેક સ્ટાઇલ મળી જશે. બેલબોટમ્સ, બૂટકટ અને પેરેલલ જેવા અનેક ઓપ્શન્સ ફ્લેયર્ડ જિન્સમાં ઉપલબ્ધ છે. એની ખાસિયત એ છે કે તે લગભગ દરેક પ્રકારના બોડીટાઇપને સૂટ કરે છે. તે તમને સ્લિમ અને લાંબા દેખાવામાં પણ મદદ કરે છે. આ વર્સેટાઇલ પીસ છે જેને કેઝયુઅલ અને સેમી ફોર્મલ બંને રીતે સ્ટાઇલ કરી શકાય છે.

પ્લાઝો પેન્ટ્સ
પ્લાઝો પેન્ટ કમ્ફર્ટેબલ હોવાની સાથે વર્સેટાઇલ પણ છે, કારણ કે તેને વેસ્ટર્ન ટોપ્સની સાથે જ નહીં એથનિક કુરતા સાથે પણ પહેરી શકાય છે. સોલિડ કલર્સથી લઇને ફ્લોરસ પ્રિન્ટ અને એબસ્ટ્રેક્ટ પ્રિન્ટ્સમાં એમાં અનેક ડિઝાઇન અને પેટર્ન્સ મળી જશે. આને ઓફિસમાં ફોર્મલ વૅરથી લઇને ટ્રેન્ડી પાર્ટીવૅરમાં દરેક અવસર પર પહેરી શકો છો.

મોમ જિન્સ
છેલ્લા થોડા સમયથી જિન્સની જે સ્ટાઇલ વધારે પોપ્યુલર થઇ છે તે મોમ ફિટ જિન્સ છે. આ જિન્સ કૂલ ફેશન ટ્રેન્ડના રૂપમાં પરત ફરી છે. જે લોકો કમ્ફર્ટને વધારે પ્રેમ કરે છે, તેમના માટે આ પરફેક્ટ ઓપ્શન છે. 80થી 90ના દાયકાની પોપ્યુલર જિન્સ સ્ટાઇલથી ઇન્સ્પાયર્ડ છે, જેને મોટાભાગનાં ઘરની મહિલાઓ અને મમ્મીઓ પહેરતી હતી. મોમ જિન્સને સ્ટાઇલ કરવી એકદમ સરળ છે, કારણ કે તેને સ્ટાઇલ કરવા માટે તમારે વધારે એફટ્ર્સની જરૂર નથી. સિમ્પલ ઓવરસાઇઝ્ડ હુડીથી લઇને ગ્રાફિક ટી-શર્ટ સુધી તમે એને કોઇની પણ સાથે સ્ટાઇલ કરી શકો છો.

બેગી જિન્સ
ગરમીમાં બેગી જિન્સ પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાથી યુવતીઓ અને સેલેબ્સમાં પ્રિય છે. બેગી જિન્સ સ્ટાઇલ એક રેટ્રો ટ્રેન્ડ છે જે 2-3 દાયકા પહેલાં બહુ પોપ્યુલર હતી. હવે ફરી તે યુવતીઓની હોટ ફેવરિટ છે. પાયજામાં જેટલું કમ્ફર્ટ બેગી જિન્સમાં મળી રહે છે. તેથી રૂટિન અને ટ્રાવેલિંગ દરમિયાન બેગી જિન્સ પહેરવાનું યુવાપેઢી પસંદ કરે છે.

ટ્રેક પેન્ટ્સ અથવા જોગર્સ
એથ્લિટ્સ ટ્રેન્ડમાં એક આઉટફિટ જે છેલ્લાં એક બે વર્ષથી સૌથી વધારે પોપ્યુલર થયો છે, એ છે ટ્રેક પેન્ટ્સ અને જોગર્સ. આ આઉટફિટનો વર્કાઉટ આઉટફિટ જિમથી લઈ ફેશનની દુનિયામાં એક પોપ્યુલર ટ્રેન્ડ બની ગયો છે. કૉલેજ ગોઇંગ યુવતીઓથી લઇને તે બોલિવૂડમાં પોપ્યુલર છે. તેને ટ્રાવેલિંગથી લઇને મિત્રો સાથે હરવા-ફરવામાં ગમે ત્યાં પહેરી શકાય છે. જોગર્સ અને ટ્રેક પેન્ટ્સની ખાસિયત એ છે કે તે લૉ મેન્ટેનન્સ, આરામદાયક અને સ્ટાઇલિશ છે. તમે તેને સેટ અને કો- ઓર્ડસના રૂપમાં પહેરી શકો છો. તેને સેપરેટ્સ પણ પહેરી શકાય છે.