રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન

March 04, 2021

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલુ છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે હવે રામ મંદિર પરિસર 107 એકરના ક્ષેત્રમાં બનાવવામાં આવશે. પહેલા આ જગ્યા માત્ર 70 એકરની હતી.

ટ્રસ્ટના જણાવ્યા મુજબ શ્રીરામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે 7285 સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે. જે પછીથી હવે રામ મંદિર પરિસરનું નિર્માણ 107 એકરમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ વિવાદ પર આવેલા નિર્ણય પછી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 70 એકર જમીન મળી ગઈ હતી. જે પહેલા કેન્દ્ર સરકારને આધીન હતી. જોકે હવે ટ્રસ્ટ તરફથી આસપાસની બીજી કેટલીક જમીન ખરીદવામાં આવી છે. જેથી રામ મંદિર પરિસરને ભવ્ય અને વિશાળ રૂપમાં બનાવી શકાય.

અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તે પછીથી જ અહીં કામ કરવામાં આવી રહ્યું છે. રામ મંદિરનો નકશો પાસ થઈ ગયો છે, પાયાનું કામ કરવામાં આવી રહ્યું હતું અને તે પ્રમાણે ડિઝાઈનમાં અપડેટ કરવામાં આવી રહ્યું હતું.