કેડીલેક-ફેરવ્યુ મોલ્સમાં મંજૂરી વિના પાંચ મિલીયન નાગરિકોના ફોટોગ્રાફસ લેવાતા વિવાદ

November 10, 2020

  • કંપનીએ ગોપનીયતાના કાયદાનો ભંગ કર્યો, ફોટોગ્રાફ્સ પરથી ગ્રાહકોની બાયોમેટ્રિક જાણકારી મેળવાઈ- પોલીસ
  • ગ્રાહકોની વય અને જાતિ ઓળખવાના આશયથી જ આ ટેકનોલોજીવાળા કેમેરાનો ઉપયોગ થયાની કંપનીની દલીલ

ઓટાવા : કેનેડામાં આવેલા ૧ર જેટલા મોલ્સમાં લગાડેલા ઈન્ફોકિયોસ્ક પરથી અંદાજે પાંચ મિલીયન કેનેડીયનોના ફોટોગ્રાફસ એમની જાણ બહાર અને મંજુરી વિના લીધા હોવાનું પ્રાઈવસી વોચડોગ્સના ધ્યાનમાં આવ્યું છે. ફેડરલ સરકાર, અલબર્ટા અને બ્રિટીશ કોલંબિયામાં ચાલેલી તપાસ દરમિયાન પ્રાઈવસી કમિશનરોને જાણવા મળ્યું હતું કે, કેડીલેક ફેરવ્યુ નામક રીયલ એસ્ટેટ કંપનીએ ચહેરા ઓળખી શકાય એવા કેમેરા લગાડીને જુદા જુદા મોલ્સ પરના ઈન્ફોકિયોસ્ક પરથી અંદાજે પાંચ મિલીયન કેનેડીયનોના ફોટોગ્રાફસ લીધા હતા. તપાસ દરમિયાન કંપનીએ એવી દલીલ કરી હતી કે, તેમણે ગ્રાહકોની વય અને જાતિ ઓળખવાના આશયથી જ આ ટેકનોલોજીવાળા કેમેરા લગાડયા હતા. કોઈની વ્યકિતગત ઓળખ માટે નહોતા લગાડયા. તેમણે એમ પણ કહ્યુંં હતું કે, કોઈ ગ્રાહકોની અંગત બાબતોની જાણકારી એકત્ર નથી કરી. ફોટોગ્રાફસ પણ એનાલીસીસ બાદ ડીલીટ કરી દેવાયા હતા. 
જો કે, કમિશનરો એવું માની રહ્યા છે કે, કંપનીએ લોકોની અંગત જાણકારી મેળવી હતી અને ગોપનીયતા કાનૂનનો ભંગ કર્યો હતો. તપાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે, ગ્રાહકોની બાયોમેટ્રીક જાણકારી પણ ફોટોગ્રાફસ પરથી મેળવી હતી.
ફેડરલ પ્રાઈવસી કમિશ્નર ડેનીયલ થેરીને કહ્યુંં હતું કે, ગ્રાહકોને તો જાણ જ નહોતી કે, તેમની તસવીરો ગુપ્ત કેમેરાથી લેવાઈ રહી છે અને ફેસીયલ રેકગ્નાઈઝેશન ટેકનોલોજીથી એનો ઉપયોગ કોઈ અન્ય હેતુ માટે કરવામાં આવનાર હતો. પરવાનગી વિના તસવીર લેવી એ ગોપનીયતા કાનૂનનો ભંગ જ ગણાય. આ વાત જાહેર થતા જ પ્રાઈવસી અધિકારના રક્ષકો મેદાનમાં આવી ગયા હતા અને પ્રાઈવસી ખાતાના કમિશનરે કમિશ્નરે કંપનીને કેમેરા હટાવી લેવાની ફરજ પાડી હતી.
ભવિષ્યમાં લોકોની જાણ બહાર અને મંજુરી વિના એવા કોઈ કામ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી.