કોરોના રેકોર્ડ બ્રેક : છેલ્લા 24 કલાકમાં 9304 નવા કેસ, 260 લોકોના મોત

June 04, 2020

નવી દિલ્હી : કોરોના વાયરસનું સંકટ યથાવત છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 9,304 નવા કેસ સામે આવ્યા છે અને 24 કલાકમાં જ આ જીવલેણ બીમારીથી 260 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે 3,804 લોકો ઠીક થયા છે.

હાલ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,16,919 છે. તેમાંથી 6,075 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જ્યારે લગભગ 50 ટકા એટલે કે 1,04,107 દર્દી કોરોના સામેની લડાઇ જીતી ચુક્યા છે. અત્યારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,06,737 છે. છેલ્લા કેટલાય દિવસોમાં દર્દીઓના સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે કોરોના વાયરસથી પ્રભાવિત થયું છે. અહીં દર્દીઓની સંખ્યા લગભગ 75 હજાર છે. અત્યાર સુધીમાં 2,587 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે 32 હજારથી વધારે લોકો સાજા થઇ ચુક્યા છે. હાલ લગભગ 40 હજાર એક્ટિવ કેસ છે. બીજા નંબર પર તમિલનાડુ છે, અહીં અત્યાર સુધી લગભગ 26 હજાર કેસ સામે આવ્યા છે, જેમાંથી 208 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

કોરોનાના કુલ કેસમાં ત્રીજા નંબર પર દિલ્હી છે. અત્યાર સુધીમાં ત્યાં 23,645 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 606 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 9542 લોકો ઠીક થઇ ચુક્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો 18,100 સુધી પહોંચી ગયો છે, જેમાં 1122 લોકોના મૃત્યુ થયા છે.

રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા 9652 છે, જેમાંથી 209 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા 8588 છે, જેમાંથી 371 ના મૃત્યુ થયા છે. ઉત્તર પ્રદેશમાં દર્દીઓની સંખ્યા 8729 છે, જેમાંથી 229 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.