કોરોના વાયરસઃ ચીનમાં વડોદરાની વિદ્યાર્થિની ફસાઇ, પિતાએ રાજ્ય સરકાર પાસે મદદ માગી

January 28, 2020

વડોદરા- ચીનમાં કોરોના વાયરસનો ભરડો લીધો છે તેવામાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. 100 ગુજરાતી સહિત ભારતના 300 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમને ત્યાં ખાવા-પીવાની તકલીફ પડી રહી છે. ત્યારે વડોદરાની વિદ્યાર્થિની શ્રેયા જયમાન પણ ચીનમાં ફસાઈ છે.

વડોદરા ખાતે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રેલવેના લોકો શેડમાં સ્ટેશન માસ્તર તરીકે કામ કરતા શશીકુમાર જૈમાનની  પુત્રી શ્રેયા અને સોમા તળાવ વિસ્તારમાં રહેતા રમેશભાઇ પટેલનો પુત્ર વૃંદ હાલમાં ચીનના હુબેઇ પ્રાંતમાં આવેલા હુવાન  શહેરમાં હુબેઇ યુનિવર્સિટીમાં એબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને હુવાન શહેરમાં જ હોસ્ટેલમાં રહે છે. હુવાન શહેર સહિત આખો હુબેઇ પ્રાંત કરોના વાયરસની ઝપેટમાં આવી ગયો છે જેના કારણે ચીન સરકારે આખુ શહેર જ  લોક કરી દીધુ છે. લોકોને શહેરની બહાર જવા માટે અને બહારથી લોકોને શહેરમાં આવવા માટે પ્રતિબંધ છે. લોકો ઘરોમાં  પુરાઇ રહ્યા છે.

આ સ્થિતિના કારણે વડોદરાની શ્રેયા અને વૃંદ સહિત ગુજરાતના ૨૦ વિદ્યાર્થીઓ કે હુવાન શહેરમાં  અભ્યાસ કરે છે તેમની હાલત કફોડી થઇ છે. ઘરમાં ખાવા પીવાનું પણ હવે ખૂટી પડયુ છે એટલે આ વિદ્યાર્થીઓ વિડિયો  મેસેજ તેમના માતા પિતાને મોકલીને મદદ માગી રહ્યા છે. આ દરમિયાન શ્રેયાના પિતા શશીકુમાર જૈમાને આજે પીએમઓ, મુખ્યમંત્રી સહિત અનેક લોકોને ટ્વિટ કરીને પરિસ્થિતિની  જાણ કરી છે અને શ્રેયા સહિતના વિદ્યાર્થીઓને પરત લાવવા માટે માગ કરી છે.