નૃત્ય ગોપાલ દાસ રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યા : પ્રથમ બેઠકમાં નિર્ણય

February 20, 2020

નવી દિલ્હી : રામ મંદિર નિર્માણ માટે રચાયેલા ટ્રસ્ટની પહેલી બેઠક બુધવારે મળી હતી. આ બેઠકમાં મંદિર સંબંધી અનેક મોટા મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ જાહેર કરાયેલી માહિતી મુજબ રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પદે મહંત નૃત્ય ગોપાલ દાસને પસંદ કરવામાં આવ્યા છે જ્યારે ચંપત રાયને મહાસચિવ અને સ્વામી ગોવિંદ દેવ ગિરીને કોષાધ્યક્ષ પદે પસંદ કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત ભવન નિર્માણ સમિતીની રચના કરવામા આવી છે. જેના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય સચીવ નૃપેંદ્ર મિશ્રાને પસંદ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર રચાયેલા રામ મંદિર ટ્રસ્ટની આ પહેલી બેઠક હતી જે સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ અને ટ્રસ્ટના સભ્ય કે. પરાસરણના નિવાસ સૃથાને યોજાઇ હતી. 

અગાઉ એવુ અનુમાન હતું કે રામ મંદિર નિર્માણ માટે ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવશે જોકે આવો કોઇ નિર્ણય લીધો હોવાની જાહેરાત હજુસુધી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી નથી. તેથી હાલ એ નિશ્ચિત નથી કે રામ મંદિરનું નિર્માણ કામ ક્યારે શરૂ કરવામાં આવશે.  એવા અહેવાલો છે કે 15 દિવસ બાદ ફરી ટ્રસ્ટની એક બેઠક બોલાવવામાં આવશે જેમાં તારીખનો નિર્ણય લેવામાં આવી શકે છે.

 પ્રથમ બેઠક બાદ અને પદો પર વરણી બાદ મીડિયા સાથે વાતચીતમાં નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું કે લોકોની ભાવનાનો આદર કરવામાં આવશે. જલદી થી જલદી રામ મંદિરનું નિર્માણ કામ કરવામાં આવશે.  રામ મંદિર કેવું હશે તેની માહિતી આપતા મહંતે જણાવ્યું હતું કે મંદિરનું મુખ્ય મોડલ સરખુ જ રહેશે જ્યારે તેની ઉંચાઇ અને પહોંળાઇ વધારવાના પ્રયાસો કરવામાં આવશે.